(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વામી ચિન્મયાનંદ સામેનો બળાત્કારનો કેસ પાછો ખેંચવાના અહેવાલો વચ્ચે દુષ્કર્મ પીડિતાએ મૌન તોડ્યું છે. સ્વામી ચિન્મયાનંદની ભૂતપૂર્વ સહયોગી અને સાધ્વી રહેલી પીડિતાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે નિકટના સંબંધો હોવાને કારણે ચિન્મયાનંદ સામે નોંધાયેલો બળાત્કારનો કેસ પાછો ખેંચવામાં આવી રહ્યો છે. પીડિતાએ એવો પણ આરોપ મુક્યો છે કે તેના નામે ચિન્મયાનંદે કોર્ટમાં બોગસ સોગંદનામું પણ રજૂ કર્યું છે. પીડિતાએ એડીજીને ફરિયાદ મોકલીને ચિન્મયાનંદ સામેનો કેસ પાછો ખેંચવાનો વિરોધ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. એડીજીને મોકલેલા પત્રમાં પીડિતાએ કહ્યું છે કે ધરપકડ ટાળવા માટે ચિન્મયાનંદે સ્ટે મેળવ્યો હતો હવે સ્ટે પુરો થઇ ગયો છે અને તેમની ધરપકડ કરવાને બદલે સરકારે કેસ પાછો ખેંચવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પીડિતાએ કોર્ટમાં આ બાબતે વાંધો ઉઠાવીને ચિન્મયાનંદ સામે વોરંટ જારી કરવાની માગણી કરી છે. ચિન્મયાનંદે પીડિતાના નામે બનાવટી સોગંદનામું બનાવ્યું છે, તેમાં સહમતિ દર્શાવવામાં આવી છે પરંતુ આ સહમતિ પત્રને બનાવટી ગણીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને બનાવટી સોગંદનામું બનાવનારા દોષિતો સામે પણ કાર્યવાહી કરવામાં આવે. બીજીબાજુ, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પીડિતાએ કહ્ય્‌ું છે કે આગામી સુનાવણી દરમિયાન કોર્ટમાં કેસ પાછો ખેંચવાનો તે વિરોધ કરશે. પીડિતાના કહ્યા મુજબ ૨૫મી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી સ્વામી ચિન્મયાનંદના આશ્રમમાં આવ્યા હતા અને કાર્યક્રમમાં તેમની સાથે ભાગ લીધો હતો. આદિત્યનાથ સાથેના નિકટના સંબંધોને કારણે શાસન ચિન્મયાનંદ સામે નોંધાયેલો બળાત્કારનો કેસ પાછો ખેંચવાની કોશિશમાં છે. આ બાબતે પીડિતાએ કોઇ સહમતિ આપી નથી.