(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
ચીખલી તાલુકાના થાલા ગામ પાસે આવેલ ખુંધ ગામે કપડા સુકવવાની દોરી પર વહેતા વીજ પ્રવાહનો જોરદાર આંચકો લાગતા નાયકા પરિવારના બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. ઘટનાની વાયુવેગે સમગ્ર પંથકમાં વાત પ્રસરી જતા શોકની કાલીમાં સાથે હડકંપ મચી ગયો હતો. કમકમાટી ભર્યા બનાવની મળતી સિલસિલાબંધ વિગતો મુજબ નવસારીના ચીખલી તાલુકામાં આવેલ થાલા ગામની સમીપે ખુંધ ગામે ખાડા વિસ્તારમાં નાઇકી વાડ આવેલ છે જ્યાં ગરીબ આદિવાસી નાયકા પરિવાર મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યો છે. દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યાના સુમારે પરિવારના માણસો ખેતરે મજૂરીકામ કરી ઘરે આવ્યા બાદ કપડા ધોયા પછી કપડાં સૂકવવા બાંધવામાં આવેલી દોરીએ કપડા સૂકવવા જતા એ પહેલા દોરીમાં ક્યાંકથી વહેતા જીવંત વીજ પ્રવાહનો મહિલાને જોરદાર વીજકરંટ લાગતાં મહિલાના મુખેથી બચાવની નીકળેલી ચીસકારી એ પરિવારના અન્ય બે સભ્યો બચાવવા દોડી ગયા હતા. જોકે તેઓ પણ વીજ પ્રવાહના સંપર્કમાં આવી ગયા હતાં અને કાળની એક જ થપાટે પરિવારના ઢળતી ઉંમરે પહોંચેલા વૃદ્ધા લલિ બેન રવજીભાઈ નાયકા પટેલ (ઉંમર વર્ષ ૮૦) બચુભાઈ ઉર્ફે સુમન રવજીભાઈ નાયકા પટેલ(ઉંમર વર્ષ ૬૦) અને કલ્પનાબેન શૈલેષભાઈ રવજીભાઈ નાયકા પટેલ (ઉંમર વર્ષ ૪૦)ના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બનાવની જાણ પ્રથમ મહોલ્લા પછી વાયુવેગે ગામમાં પ્રસરી જતા શોકની કાલીમાં સાથે હડકંપ મચી ગયો હતો. આ બનાવ અંગે ચીખલી પોલીસને અવગત કરાતાં પો.સ.ઇ રાકેશ ઠુંમર સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે ધસી જઇ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે આ ઉપરાંત બનાવ અંગે વીજ કંપનીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી વીજ વિભાગનું તંત્ર પણ દોડી ગયું છે. હાલ તો પોલીસે કમનસીબ ઘટનામાં મોતને ભેટેલા ત્રણ વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હોવાનું જાણવા મળે છે.