(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામના તત્કાલીન ઉપસરપંચની હત્યા કરાયેલી લાશ સાદકપોર ગામની સીમમાંથી મળી આવી હતી. લાશને શેરડીના ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. રાત્રિના સમયે પરત ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ કરતા બાઈક સાદકપોર ગામે રસ્તાની સાઈડે બિનવારસી મળી આવી હતી. જેથી આજુબાજુના ખેતરમાં શોધખોળ કરતા લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તમ માહિતી અનુસાર ચીખલી તાલુકાના બામણવાડા પટેલ ફળિયામાં રહેતા નિલેશભાઈ છનાભાઈ પટેલ (ઉ.વ.૩૬) ગત ટર્મમાં બામણવાડા ગામના ઉપસરપંચ તરીકેની સેવા બજાવી ચૂક્યા હતા. વર્ષોથી ચીખલીના થાલા ગામે આવેલી સાંઈ ડેરીમાં નોકરી કરતા હોય ગતરોજ રાત્રિના ૮.૩૦ વાગ્યાના અરસામાં નોકરી પરથી પોતાની પેશન બાઈક (જીજે-૨૧-કયુ૬૪૭૮) ઉપર ઘરે બામણવાડા જવા માટે નીકળ્યો હતો. મોડી રાત સુધી ઘરે ન પહોંચતા નિલેશ પટેલની પત્ની ટીના પટેલે સગાસંબંધીઓ અને મિત્રોને જાણ કરી હતી. મોડી રાત્રે નિલેશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ નિલેશની કોઈ ભાળ મળી ન હતી. દરમિયાન બીજા દિવસે વહેલી સવારે નિલેશની બાઈક સાદકપોર ગામે આવેલા બ્રહ્મદેવ બાપાના મંદિરની સામે રસ્તાની બાજુમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેથી નિલેશના સગાસંબંધીઓ અને મિત્રોએ આજુબાજુમાં તપાસ કરતા સાદકપોર ગામના મુખ્ય રસ્તાથી આશરે ૧૫૦ મીટર દુર શેરડીના ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં નિલેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. નિલેશની લાશ મળવા અંગેની જાણ ચીખલી પોલીસને થતા ચીખલીના પીઆઈ ડી.કે.પટેલ સહિત સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ નિલેશ પટેલના મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્‌યા અને એલસીબીની ટીમ પણ ઘટનાસ્થળે ધસી ગયા હતા. જોકે, હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. નિલેશ પટેલના ખિસ્સામાં હજારોની રોકડ રકમ હોય જે યથાવત રહી હતી. જેથી હત્યાનો ઇરાદો કંઈક અલગ જ હોવાનું લાગી રહ્યું છે. બામણવાડા ગામના માજી ઉપ સરપંચની હત્યા કરાયા બાદ તેના મોબાઈલ ફોન સતત સ્વીચ ઓફ આવતા તેના મોબાઈલ ફોનની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી નિલેશનો મોબાઈલ ફોન મળી આવ્યો નથી. ચીખલી પીઆઈ ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, મરનાર નિલેશ પટેલના માથાના ભાગે ઈજા થઈ હોય જેથી હત્યાનો ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતકની લાશ નજીકથી મરનારના ચશ્મા, ઘડિયાળ સહિત વસ્તુ કબજે કરી છે. તેનો મોબાઈલની પણ શોધખોળ ચાલુ છે. નિલેશ પટેલની હત્યા કોઈ જમીનના મામલે કે વ્યાજના લેતી દેતીના મામલે કે કોઈક અગમ્ય કારણોસર કરવામાં આવી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ હત્યાનો ભેદ ઉકેલે ત્યારબાદ જ હત્યાનું સાચુ કારણ સામે આવે તેમ છે.