અમદાવાદ,તા.ર૩
વર્ષ ર૦૧૬માં મહેશ શાહ દ્વારા રૂા.૧૩ હજાર કરોડની આવક આઈટી ડિપાર્ટમેન્ટ સમક્ષ જાહેર કરવાના કેસથી પ્રસિધ્ધિમાં આવેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમુલ શેઠનાને ચીટિંગ કેસમાં પોલીસ સમક્ષ હાજર રહેવા સામે સ્ટે ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યાં સુધી શેઠનાને રાહત મળી છે. શિવાંગી પંચાલ નામની મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ શેઠના અને તેના મળતિયાઓએ તેમના પારિવારીક ટ્રસ્ટમાંથી તેમના નામે બેન્કમાં ખાતા ખોલાવી ખોટી સહીઓ કરીને રૂા.૬.૮પ કરોડનું ટ્રાન્ઝેકશન કર્યું હતું. આ બાબતે ગત નવેમ્બરમાં બહાર આવતા શિવાંગી પંચાલે ફરિયાદ નોંધાવી હતી. તેના અનુસંધાને ર૯ માર્ચના રોજ શેઠનાની ધરપકડ કરવામાં આવી હતી. જો કે મેજિસ્ટ્રેટની કોર્ટે તેના જામીન આપી દેતા પંચાલે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે તા.૬ જુલાઈના રોજ આદેશ આપીને શેઠનાના જામીન રદ કરી દીધા હતા. આથી શેઠનાએ હાઈકોર્ટમાં અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે શેઠનાથી અલગ રહેતી તેની પત્નીએ પણ તેની સામે રૂા.૧.૮પ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.