(એજન્સી) તા.૧૭
લદ્દાખમાં ચીનના સૈનિકો દ્વારા આચરવામાં આવેલી હિંસાને તદ્દન અભૂતપૂર્વ ગણાવતા ભારતી લશ્કરની નોર્ધન કમાન્ડના વડા એવા લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ડી.એસ. હુદ્દાએ આજે કહ્યું હતું કે, બે દેશો વચ્ચે યુદ્ધના જે સ્પષ્ટ નિયમો છે તેને હવે આગળ વધારવાની જરૂર છે. જેમના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ભારતીય જવાનોએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તે નિવૃત્ત જનરલે સીએનએન ન્યૂઝ-૧૮ ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે, ચીને સરહદે હિંસાનો આશરો લીધો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નથી, પરંતુ આટલી હદે ક્યારે સ્થિતિ કથળી નહોતી. લદ્દાખમાં ગલવાન ખીણપ્રદેશમાં ચીનના સૈનિકોએ આચરેલી હિંસામાં ભારતના ૨૦ જવાનો શહીદ થઈ ગયા છે એવા સમાચારને ભારતીય સૈન્ય દ્વારા પુષ્ટિ આપવામાં આવી ત્યારબાદ જનરલ હુદ્દાનો આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો અને આ મુજબનું નિવેદન કર્યું હતું. દરમ્યાન સરકારી સૂત્રોએ કહ્યું હતું કે, હજુ બે ડઝન જેટલાં સૈનિકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે અને વધુ ૧૧૦ જવાનોને સારવારની જરૂર છે. સૈનિકોની શહીદીનો આંક હજુ વધી શકે છે એમ આ સમગ્ર ઘટનાક્રમ સાથે સંકળાયેલા લશ્કરના એક અધિકારીએ કહ્યું હતું. મને સંપૂર્ણ ખાતરી છે કે, બંને પક્ષે ખુવારી થઈ હશે. આપણે ચીન સાથે એવા સ્થળે સંઘર્ષમાં ઉતર્યા છીએ જ્યાં ચીને હિંસાનો આશરો લીધો હતો, પરંતુ તેણે આ કોઈ પહેલીવાર હિંસા આચરી નથી એમ જનરલ હુદ્દાએ કહ્યું હતું. ભારત સરકારે ચીનની આ હિંસાનો પ્રતિભાવ આપતા નિવેદનમાં પણ હવે વધુ આકરૂં અને કડક બનવું પડશે, કેમ કે સરકાર અત્યાર સુધી એમ જ કહેતી આવી છે કે, સરહદે પ્રવર્તી રહેલાં વિવાદના ઉકેલ માટે છેલ્લા એક મહિનાથી રાજદ્વારી અને લશ્કરી સ્તરે વાટાઘાટો અને મંત્રણાઓ ચાલી રહી છે એમ તેમણે કહ્યું હતું.
ભારતીય સૈનિકોની શહીદીના સમાચારને મંગળવારે બપોરે પુષ્ટિ મળ્યા બાદ પોતાનો પ્રથમ પ્રતિભાવ આપતાં સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે બુધવારે લદ્દાખમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થઈ ગયાના સમાચાર ખરેખર ખુબ જ દુઃખ પહોંચાડનારા છે. આપણા જવાનોએ માતૃભૂમિનું રક્ષણ કરતાં-કરતાં અત્યંત બહાદૂરી અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું અને પોતાની જાતનું બલિદાન આપી દીધું હતું એમ સિંઘે ટિ્‌વટ કરેલા સંદેશમાં કહ્યું હતું.