(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
ભારત અને ચીનની સેના વચ્ચે પૂર્વ લદ્દાખમાં પડેલી મડાગાંઠને ઉકેલવા માટે ચાલી રહેલી સૈન્ય મંત્રણામાં બંને દેશોની સેનાને ખસેડવાની સમજૂતીને ચીનની પીએલએ સેના ગંભીરતાથી લઇ રહી નથી તેવું લાગી રહ્યું છે. પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ફ્રન્ટ અને ઊંચાઇવાળા વિસ્તારોમાં અવળચંડા ચીને હજુ પણ પોતાના ૪૦ હજાર સૈનિકો ગોઠવી રાખ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, પૂર્વ લદ્દાખમાં ચોટીના વિસ્તારોમાંથી સૈન્યને ઓછું કરવાની કટિબદ્ધતાનું ચીન સન્માન કરી રહ્યું નથી અને કમાન્ડર સ્તરની મંત્રણા તથા એક અઠવાડિયા પહેલા જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની દખલ બાદ પણ જે સહમતી સધાઇ હતી તેના પર ચીન અમલ કરી રહ્યું નથી.
સૂત્રો અનુસાર ચીને પાછળ હટવાના કોઇ સંકેત આપ્યા નથી. તેણે એર ડિફેન્સ સિસ્ટમ સહિત લાંબા અંતરના તોપખાના અને આશરે ૪૦ હજાર સૈનિકોની તૈનાતી જાળવી રાખી છે. સૂત્રો અનુસાર પાછલા અઠવાડિયે થયેલી કોર કમાન્ડરો વચ્ચેની અંતિમ તબક્કાની વાતચીત બાદથી જ એલએસી પર ચીને પાછળ હટવાની પ્રક્રિયામાં કોઇ પ્રગતિ કરી નથી. સૂત્રો અનુસાર ચીન હજુ પણ ફિંગર પોઇન્ટ પાંચ વિસ્તારમાંથી બહાર આવવામાં અનિચ્છા દેખાડી રહ્યું છે અને સીરીજાપમાં પોતાના કાયમી સ્થાન પર પરત ફરી રહ્યા છે કેમ કે, તેઓ ફિંગર એરિયામાં એક પોસ્ટ બનાવવા માગે છે. આ રીતે તેમણે હોટસ્પ્રિંગ અને ગોગરા પોસ્ટમાં માળખાકીય નિર્માણકામ શરૂ કર્યું છે. નોંધનીય છે કે, આ બંને વિસ્તારો પૂર્વ લદ્દાખમાં તંગદિલીના મહત્વના સ્થાનો છે. સૂત્રોએ જણાવ્યું છે કે, બે કમાન્ડરો વચ્ચે થયેલી અંતિમ મંત્રણા બાદ પણ સૈનિકો હટાવવાની કામગીરીમાં ચીન તરફથી કોઇ પ્રગતિ થઇ હોવાનું જણાયું નથી અને પહેલાની સ્થિતિમાં કોઇ ફેરફાર થયા હોય તેવું લાગી રહ્યું નથી. સૂત્રોએ એમ પણ કહ્યું કે, હોટસ્પ્રિંગ અને ગોગરા વિસ્તારોમાં ચીન એવી દલીલ આપી રહ્યું છે કે, સરહદ પર તેઓ એકવાર પોતાના સૈનિકોની સ્થિતિ બદલે તો ભારત ઊંચાઇવાળી વિસ્તારોમાં વ્યૂહાત્મક કબજો જમાવી શકે છે. કમાન્ડર સ્તરની ૧૪-૧૫મી જુલાઇએ યોજાયેલી છેલ્લી મંત્રણામાં સહમતી સધાઇ હતી કે, આગામી કેટલાક દિવસોમાં નિર્માણકામ થયું છે કે, તેમ તેની વધુ ચકાસણી કરવામાં આવશે. ચીન સાથે વાતચીત દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે સ્પષ્ટતા કરી હતી કે, આ મુદ્દાને કાયમી ઉકેલવા માટે બંને બાજુએથી કાયમી લોકેશન પરથી સૈન્ય ખસેડવામાં આવશે અને આ રીતે બંને તરફે સંતોષજનક ઉકેલ મળે તેવા પગલાં લેવામાં આવશે.