(એજન્સી) બેઇજિંગ, તા. ૧૬
કોરોના વાયરસનો સામનો કરવા માટેની ચીનની કોરોના વેક્સિનને એક અભ્યાસમાં સુરક્ષિત બતાવાઇ છે. ૧૮થી ૮૦ વર્ષના લોકો પર કરાયેલી ચીનની વેક્સિનના પરિણામ સારા આવ્યા છે. આ લોકો પર કરાયેલા પરિક્ષણમાં વેક્સિનને સુરક્ષિત ગણાવાઇ છે અને આનાથી કોઇ પ્રકારનું નુકસાન નથી થયું પરંતુ તેના કારણે એન્ટીબોડી બનવામાં મદદ મળી છે. તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા અહેવાલો અને સંશોધનો કરનાર લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં આવો દાવો કરાયો છે. રિપોર્ટ અનુસાર ચીનની કોરોના વેક્સિન બીબીઆઇબીપી-કોર્વ જેનાથી કોરોના વાયરસને સંપૂર્ણ રીતે નિષ્ક્રીય કરવાની આશા છે તે એકદમ સુરક્ષિત છે અને આ એન્ટીબોડી બનાવવામાં સક્ષમ છે. લાન્સેટે આ પહેલા પણ વધુ એક વેક્સિનને લઇને જણાવ્યું હતું કે, કોરોના માટે જવાબદાર સાર્સ-કોવ-૨ વાયરસને નિષ્ક્રીય કરે છે અને પરંતુ આ અભ્યાસમાં વેક્સિનના પરિક્ષણ માત્ર ૬૦ વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કરવામાં આવ્યા હતા.
ધ લાન્સેટ ઇન્ફેસિયસ ડિસિસ જર્નલમાં પ્રકાશિત આ નવા અભ્યાસમાં જણાવાયું છે કે, આ વેક્સિનની ટ્રાયલમાં ૧૮થી ૮૦ વર્ષની ઉંમરના લોકો સામેલ હતા અને જાણવા મળ્યું છેકે, તમામમાં એન્ટીબોડી બન્યા છે. અભ્યાસ અનુસાર આ વેક્સિન વિરૂદ્ધ એન્ટીબોડી બનવાની ઝડપ ૧૮થી ૫૯ વર્ષના લોકોમાં ૬૦થી વધુ ઉંમરના લોકોની સરખામણીએ વધુ રહી છે. ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એન્ટીબોડી બનવામાં ૪૨ દિવસ લાગ્યા જ્યારે ૧૮થી ૫૯ વર્ષના લોકોમાં ૨૮ દિવસમાં એન્ટીબોડી વિકસિત થઇ ગયા હતા. બેઇજિંગ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્‌સ કંપની લિમિટેડના ચીનના લેખક જિયાઓમિંગ યાંગે કહ્યું છે કે, વૃદ્ધ લોકોની સુરક્ષા કરવી એક સફળ કોરોના વેક્સિનનો મુખ્ય ઉદ્દેશ છે કેમ કે આ આયુવર્ગમાં ગંભીર બીમારીનું જોખમ વધુ છે.