(એજન્સી) ઇસ્લામાબાદ/બીજિંગ,તા.૧૫
લદ્દાખમાં પાકિસ્તાન સાથે મળીને ભારતને ઘેરવામાં લાગેલું ચીન હવે અબજો ડૉલરનાં હથિયારોની મદદથી પાકિસ્તાની નેવીનો રંગ-રૂપ બદલવા જઇ રહ્યું છે. ચીન પાકિસ્તાનનાં ગ્વાદરમાં વિશાળ નૌસૈનિક અડ્ડો બનાવી રહ્યું છે. એટલું જ નહીં, હવે ભારતનાં મિત્ર દેશ રહેલા ઈરાન પર પણ તેની નજર છે જ્યાં ભારતે ચાબહાર પૉર્ટનો વિકાસ કર્યો છે. ભારતનાં ઘોર વિરોધી રહેલા પાકિસ્તાનની નૌસેનાને આધુનિક બનાવવા માટે ચીને હથિયારોનો ખજાનો ખોલી દીધો છે. પાકિસ્તાને ચીનથી યુઆન ક્લાસની ૭ ડીઝલ-ઇલેક્ટ્રિકથી ચાલનારી સબમરીન માટે કરાર કર્યા છે. આ સબમરીન એર ઇન્ડિપેન્ડેંટ પ્રપૉલ્શનથી સજ્જ છે અને લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. આ ઉપરાંત ચીને પાકિસ્તાનને ટાઇપ -૦૫૪છ શ્રેણીનાં સ્ટીલ્થ ફ્રીગેટ્‌સ આપી રહ્યું છે જે રડારને પણ હાથતાળી આપી દેવા માટે સક્ષમ છે. આ ઉપરાંત ચીન અનેક અન્ય હથિયાર પાકિસ્તાની નૌસેનાને આપી રહ્યું છે. આ માટે પાકિસ્તાને ચીનની સાથે ૭ અબજ ડૉલરની ડીલ કરી હતી. પાકિસ્તાન હવે પોતાના ૭૦ ટકા હથિયારો ચીનથી ખરીદી રહ્યું છે. ચીન પાસેથી આ હથિયારો મળતા જ પાકિસ્તાનની નૌસેના ઘણી જ શક્તિશાળી થઈ જશે. પાકિસ્તાનને ચીન પાસેથી આ હથિયારો ૨૦૨૧-૨૩ની વચ્ચે મળશે. પાકિસ્તાનને મળનારી ચીની યુઆન ક્લાસની સબમરીન દુનિયામાં સૌથી શાંત મનાતી સબમરીનમાંથી એક છે.