(એજન્સી)              તા.ર૦

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તાજેતરમાં જ એવા એક ફ્રિલાન્સ પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરવામાં આવી હતી જે ભારતની અત્યંત ગોપનીય અને સંવેદનશીલ માહિતી અને બાતમીને ચીનની જાસૂસી સંસ્થાઓને વેચતો હતો.

દિલ્હી પોલીસના કહેવા મુજબ શર્મા રૂ. ૭૩ હજારની તગડી રકમ લઇને વાસ્તવિક અંકુશ રેખા ઉપર ભારતીય લશ્કરના સૈનિકો જ્યાં તૈનાત કરાયા છે તે સ્થળોની બાતમી, ભારતીય સૈન્યનો શસ્ત્ર, સંરજામ ક્યાં ગોઠવવામાં આવ્યો છે તે અંગેની માહિતી ચીનની ગુપ્તચર સંસ્થાઓને વેચી દેતો હતો. આ શર્માએ ધ ટ્રિબ્યૂન મેગેઝિન માટે ને રેડીફ જેવી વેબસાઇટ માટે ભૂતકાળમાં અનેકવાર લેખ લખ્યા હતા.

આ શર્મા વિશે સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે તે જમણેરી વિચારધારા ધરાવતા વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે પણ સંકળાયેલો હતો અને આ ફાઉન્ડેશનની સ્થાપના વડાપ્રધાન મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ દ્વારા કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં ચીનની એક મહિલા કિંગ શી અને એક નેપાળી પુરૂષ શેર સિંઘ ઉર્ફે રાજ બોહરાની પણ ધરપકડ કરી હતી. ૨૦૧૪ની સાલમાં એક વેબસાઇટ માટે લખેલા લેખમાં શર્માએ એ પણ સમજાવ્યું હતું કે શા માટે અજીત દોવાલ ભારતના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો પૈકી સર્વશ્રેષ્ઠ છે. પોલીસે કહ્યું હતું કે શર્માને છેલ્લા દોઢ વર્ષમાં ચીનની ગુપ્તચર સંસ્થા પાસેથી રૂ. ૪૦ લાખ જેવી માતબર રકમ મળી ચૂકી છે. તેની પાસેથી ભારતીય સંરક્ષણ વિભાગના કેટલાંક અત્યંત સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. હાલ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ વધુ માહિતી આપવામાં આવશે એમ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી સંજય કુમાર યાદવને પીટીઆઇ સમાચાર સંસ્થાએ ગઇકાલે કહેતાં ટાંક્યા હતા. કેટલીક નકલી કંપનીઓની મદદથી શર્માને રકમ ચૂકવનાર ચીનની એક મહિલા અને તેના નેપાળી સાથીદારની પણ ધરપકડ કરી લેવાઇ છે એમ યાદવે કહેતાં ઉમેર્યું હતું કે શર્માને આ રકમ તેના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના એકમાત્ર હેતુથી જ આ નકલી કંપનીઓ વિદેશોમાં ઊભી કરવામાં આવી હતી.

દરમ્યાન પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ રાજીવ શર્માની ધરપકડને આકરા શબ્દોમાં વખોડી નાંખી હતી. ક્લબ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવ શર્મા ઘણા વર્ષોથી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાની સાથે સંકળાયેલ અને એક ખ્યાતનામ સ્વતંત્ર પત્રકાર હતો તેની ધરપકડ થવાથી અમે આશ્ચર્યચકિત થઇ ગયા છીએ.