(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
ભારત ચીન સરહદ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરતા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ અનેક ટિ્‌વટ કરીને લખ્યું કે, સરહદ પર અત્યારે ચીનની સેનાને કોઇપણ ભોગે પાછી મોકલવી પડશે. સેનાએ જવાબી કાર્યવાહી કરવી જોઇએ અને ચીનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઇએ. આપણા હથિયાર ઇંડા આપવા માટે નથી રખાયા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકારના નિવેદનો છતાં ભારત અને ચીન સરહદે તંગદિલી ચાલુ જ છે. સરહદ પર તણાવને લઇને સામાન્ય નાગરિકમાં પણ બેચેની છે કે આખરે સરહદ પર શું થઇ રહ્યું છે. મોદી સરકાર વ્યૂહાત્મક રીતે મુદ્દાને ઉકેલવા માગે છે તેના પર અમને વાંધો નથી પરંતુ ભારતે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઇએ. તેમણે કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આપણે ચીન સામે ઝૂકીશું નહીં. ચીન ભૌગોલિક સ્થિતિને બદલવા માટે ઉતાવળિયું બન્યું છે. તે દરેક સંભવ પ્રયાસથી ભારતમાં ઘૂસવા માગે છે અને આ આપણા દેશ માટે પડકાર છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદ સત્ર શરૂ થાય તો પીએમ મોદીએ દેશને સંબોધિત કરીને વર્તમાન સ્થિતિ અંગે જાણકારી આપવી જોઇએ. દેશ પીએમ મોદી અને બહાદૂર જવાનો સાથે ઊભો છે પરંતુ ચીને લદ્દાખથી લઇ અરૂણાચલ પ્રદેશ સુધી ઘૂસણખોરી કરી છે જે ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે ગત ૧૫મી જૂનના રોજ ચીન અને ભારત વચ્ચે ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઇ હતી. જે દરમિયાન ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા.સરહદ વિવાદને લઇ બંને દેશો વચ્ચે મંત્રણા ચાલુ છે અને તાજેતરમાં જ બંને વચ્ચે સૈનિકો ખસેડવા અંગે ચર્ચા થઇ છે.