(એજન્સી) વૉશિંગ્ટન, તા.૧૮
કોરોના વાયરસના સંક્રમણને લઈને અમેરિકા એકવાર ફરીથી ચીન પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ચીન પર આરોપ લગાવતા કહ્યું છે કે, ચીને પોતાના લોકોને જાણી જોઈને દેશની બહાર નીકળવા દીધા છે, જ્યારે તેઓ જાણતા હતા કે આમ કરવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ શકે છે.
માઈક પોમ્પિયોએ કહ્યું કે, આ પ્રકારના નિર્ણય સમજી વિચારીને લેવાતા હોય છે, જે દુનિયા માટે કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું કરી શકે છે. જ્યારે કોરોના વાયરસનો પ્રવેશ થઇ ચૂક્યો હતો તો લોકો દુનિયામાં કેમ ફરી રહ્યા હતા ? ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને તો તેનો જવાબ ખબર હશે, કારણ કે તેઓ જ જાણતા હતા કે કોરોના વાયરસનું ટ્રાન્સમિશન થશે.
માઈક પોમ્પિયોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અત્યારે કોઈ પણ પ્રકારની વાત કરવા નથી માંગતા. જો પરિસ્થિતિ બગડતી રહી તો અમેરિકા ચીન સાથે તમામ સંબંધ તોડી દેશે.
માઈક પોમ્પિયોએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે ડિસેમ્બરમાં ચીનની સરકારને વાયરસ વિશે માહિતી મળી ચૂકી હતી, તેમ છતાં ચીને લોકોને બહાર નિકળતા રોક્યા ન હતા.
અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું અમેરિકાએ સૌથી પહેલાં ચીનની ફ્લાઇટ બંધ કરી, પરંતુ ત્યાં સુધી યૂરોપમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો હતો. ત્યારબાદથી યૂરોપથી પણ આવતી બધી ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી હતી.
જ્યારે પોમ્પિયોને પૂછવામાં આવ્યું હતું કે, શું અમેરિકા ચીન સાથેના સંબંધ તોડી દેશે ? ત્યારે તેમણે કહ્યું કે, તેનો નિર્ણય રાષ્ટ્રપતિ કરશે અને તેમનો નિર્ણય અંતિમ નિર્ણય રહેશે.