(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હાલ ચીનમાં ફસાયેલા ૨૩ ભારતીય ખલાસીઓ ૧૪મીજાન્યુઆરીએ સ્વદેશ પરત ફરશે. કાર્ગોશીપ એમવી જેગ જાપાનના ચીબા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ચીનના બંદર પર ૧૩ જૂનથી અટવાયેલુ ભારતીય કાર્ગો શીપ અને ૨૩ ભારતીય ચાલક દળ સહિત સ્વદેશ પાછુ ફરી રહ્યું છે. પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવેયસ મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, ચીનના જિંગટાંગ પોર્ટ પરથી એમ.વી.જગ જહાજ જાપાનના ચિબા પોર્ટ તરફ રવાના થઇ ચૂક્યુ છે અને ૧૪ જાન્યુઆરીએ જાપાન પહોંચશે. જાપાનમાં કોરોના પ્રોટોકોલ્સની પ્રક્રિયાને પૂર્ણ કરીને કાર્ગો શીપ ભારત પરત ફરશે. કેન્દ્રિય મંત્રી માંડવિયાએ આ અંગે ટ્વીટમાં લખ્યું હતું કે, ચીનમાં ફસાયેલા આપણા સીફર્સ ભારત પરત આવી રહ્યા છે. જહાજ એમ.વી. જગ આનંદ જેની પર ૨૩ ભારતીય ચાલક દળ છે, ચીનમાં ફસાયું હતું. એ હવે જાપાનના ચિબા તરફ રવાના થયું છે ત્યારબાદ એ ભારત પહોંચશે. ૧૪ જાન્યુઆરીએ જાપાન પહોંચ્યા પછી કાર્ગો શીપના ચાલક દળને બદલવામાં આવશે, જે પછી તે ભારત માટે રવાના થશે. ચીની પ્રશાસને કોરોના મહામારીને લીધે દેશભરના બંદરો પર ચાલક દળ બદલાવાની મંજૂરી આપી નહી. નોંધનીય છે કે, કોર્ગો શીપ એમ.વી. જગ ૧૩ જૂનથી ચીનના જિંગટાંગ બંદર પર ઉભુ રહ્યું હતું. તેની પર ૨૩ ભારતીય નાગરિક ચાલક દળ હતા જેઓ સંપૂર્ણ રીતે શીપ પર ફસાઇ ગયા હતા. અન્ય એક જહાજ અનાસતાસિયા પણ ૨૦ સપ્ટેમ્બરથી ચીનના કોઓફિદિયાન બંદર પર ૧૬ ભારતીય નાગરિક ચાલક દળ સાથે ફસાઇ ગયું હતું અને ડિલિવરી માટે ચીનની મંજૂરી માટે રાહ જોઇ રહ્યું હતું. કેન્દ્ર સરકાર હાલમાં ૩૯ ચાલક દળને ભારત પરત બોલાવવાના પ્રયત્ન હેઠળ છે.
Recent Comments