(એજન્સી) તા.રર
લદ્દાખના ગલવાન ખીણ પ્રદેશમાં ભારતે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના ૧૬ જવાનોના શબ ચીનના લશ્કરી અધિકારીઓને સોંપ્યા હતા એવા ભારતીય મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલના એક દિવસ બાદ ચીને સૌ પ્રથમવાર કબૂલ કર્યું હતું કે, લદ્દાખમાં આવેલી વાસ્તવિક કુશ રેખા નજીક ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક ઝડપીમાં તેના ૨૦થી ઓછા જવાનો પણ માર્યા ગયા હતા.
વાસ્તવિક અંકુશ રેખા ઉપર ચીનની સરહદમાં આવેલા મોલ્દો ખાતે ભારત અને ચીનના કોર્પસ કમાન્ડરોની મીટિંગમાં પીપલ્સ લિબરેશન આર્મીએ એકરાર કર્યો હતો કે આ હિંસક ઝપાઝપીમાં તેણે તેના એક કમાન્ડિંગ ઓફિસરને પણ ગુમાવ્યો હતો. યાદ રહે કે ગત ૧૫ જૂનના રોજ લદ્દાખની ગલવાન નદીના ખીણ પ્રદેશમાં થયેલી હિંસક ઝપાઝપીના એક સપ્તાહ બાદ ચીને પોતાના જવાનો માર્યા ગયા હોવાનું સ્વિકાર્યું હતું. આજદિન સુધીમાં ભારતે એવો એકરાર કરી લીધો હતો કે પીએલએના સૈનિકો સાથે લદ્દાખમાં થયેલા હિંસક ઘર્ષણમાં તેના ૨૦ જવાનો શહીદ થઈ ગયા હતા પરંતુ ચીને પોતાના જવાનો વિશે તદ્દન હોઠ સીવી લીધા હતા.
ભારતીય એજન્સીઓ દ્વારા ચીનના સૈન્યના અધવચ્ચેથી આંતરી લેવાયેલા સંદેશાઓમાંથી જાણવા મળ્યું હતું કે ચીનના પક્ષે ૪૦ જવાનોની જાનહાની થઈ હતી જેમાં મૃતકો અને ઈજાગ્રસ્તો એમ બંનેનો સમાવેશ થતો હતો. એ ઝપાઝપીમાં માર્યા ગયેલા જવાનોમાં ચીનના કમાન્ડિંગ ઓફિસરનો પણ સમાવેશ થતો હતો.
ચીનના સંરક્ષણ મંત્રાલયે એવો એકરાર જરૂર કર્યો હતો કે ભારતીય સૈનિકો સાથે થયેલાં હિંસક ઘર્ષણમાં જાનહાની થઈ હતી. જો કે, તેણે કેટલા જવાનો માર્યા ગયા તે વિશે કોઈ માહિતી જાહેર કરી નહોતી. આ અંગેની તમામ માહિતી ઉપર ચીનની સરકારે સેન્સરશીપ લાદી દીધી હતી.
દરમ્યાન ચીનની સત્તાધારી સામ્યવાદી પાર્ટીના મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઈમ્સ અખબારે લશ્કરના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને સોમવારે એમ કહેતાં ટાંક્યા હતા કે ચીન ઈચ્છે છે કે સરહદે સ્થિતિ વધુ વણસે નહીં તે માટે સરકારે માર્યા ગયેલા જવાનોની સંખ્યા જાહેર કરી નહોતી.