(એજન્સી) બેજિંગ, તા. ૧૫
વડાપ્રધાન મોદીની અરૂણાચલ મુલાકાત પર વાંધો ઉઠાવતાં ચીને કહ્યું કે ભારત સમક્ષ ‘કડક રાજદ્વારી’ વિરોધ નોંધાવીશું. ચીન અરૂણાચલને દક્ષિણ તિબેટ ગણે છે અને કહ્યું કે આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ સુઆંગે કહ્યું કે ચીન-ભારત સરહદી વિવાદ બાબતે ચીનનું વલણ પહેલા જેવું અને સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ચીન સરકારે કહેવાતા અરૂણાચલ પ્રદેશનો કદી પણ સ્વીકાર કર્યો નથી અને વિવાદીત વિસ્તારમાંની ભારતીય વડાપ્રધાનની મુલાકાતનો ઉગ્ર વિરોધ કરે છે. તેમણે કહ્યું કે અમે ભારતીય પક્ષ સમક્ષ આ વાતનો ઉગ્ર વિરોધ નોંધાવીશું. ચીની પ્રવક્તાએ કહ્યું કે ભારત અને ચીન સરહદી વિવાદનો યોગ્ય નિવારણ લાવવા પર સહમતી વ્યક્ત કરી ચૂક્યાં છે. અને બન્ને દેશો મઁત્રણા અને સલાહ-મસલત દ્વારા તેમની વચ્ચેના મતભેદોનું નિવારણ લાવવાની દિશામાં કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ચીની પક્ષ ભારતીય પક્ષને જરૂરી સર્વસંમતિનું પાલન કરીને તેની પ્રતિબદ્ધતાનું માન-સન્માન જાળવવાની અને સરહદી વિવાદને જટીલ બનાવનાર કોઈ પણ પગલું ભરવામાંથી દૂર રહેવાની વિનંતી કરે છે. તેમણે ભારતને દ્વિપક્ષીય સંબંધોમાં મહામહેનતે થયેલા સુધારાનો આનંદ માણવાની તથા દ્વિપક્ષીય સંબંધોના વિકાસ તથા સરહદી મંત્રણા માટે શરતોને મંજૂરી આપવાની અપીલ કરી. ચીન વારંવાર ભારતીય નેતાની અરૂણાચલ મુલાકાતનો વિરોધ અને અરૂણાચલ પર પોતાનો દાવો માંડતું આવ્યું છે.