(એજન્સી) બેઈજિંગ, તા.૯
ચીને કહ્યું છે કે તે માલદીવનું સંકટ ઉકેલવા ભારત સાથે સંપર્કમાં છે અને તેને વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટેના પ્રયાસો ચાલુ છે. ચીને કહ્યું કે તે આ મુદ્દે ભારત સાથે બીજો ટકરાવ ઈચ્છતું નથી. માલદીવ તેના આંતરિક સંકટને ઉકેલવા ખુદ સક્ષમ છે. તેમજ કોઈ બહારી પક્ષને દખલ કરવી જોઈએ નહીં. આ પ્રશ્નના ઉકેલ માટે અને ભારતનો સંપર્ક કર્યો છે.
માલદીવના સંકટને હલ કરવા ભારતે વિશેષ દળો તૈયાર રાખ્યા હોવાના અહેવાલો બાદ ચીને બહારની દખલ ન કરવા વાત કહી હતી. ચીનના સૂત્રોએ કહ્યું કે તે માલદીવ સંકટને ચીન-ભારત ટકરાવનું કારણ નહીં બનવા દે. ડોકલામ મુદ્દે બંને પક્ષની સેનાઓ ગયા વર્ષે સામસામે આવી ગઈ હતી. ચીન દ્વારા આતંકી મસુદ અઝરના મુદ્દે નકારાત્મક વલણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી વચ્ચે માલદીવના મુદ્દે વાતચીત અંગે ચીને કહ્યું કે કોઈ બહારી દેશોએ દખલ કરવી જોઈએ નહીં. હાલની સ્થિતિ માલદીનો આંતરિક મામલો છે. તેને સંબંધિત પક્ષોએ ભેગા મળી ઉકેલવો જોઈએ.
માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને તેમના વિશેષ દૂત નાણામંત્રી મોહમ્મદ સઈદને ચીન મોકલ્યા હતા. ભારતે માલદીવના દૂતને મળવા આવવા તારીખ પણ આપી ન હતી. માલદીવના સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ યામીન વિદેશમંત્રીને તેમના દૂત તરીકે ભારત મોકલવા ઈચ્છતા હતા.