(એજન્સી) તા.૧૭
લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણના બીજા દિવસે એટલે કે બુધવારે ચીને ગલવાન ખીણ પર તેનું સાર્વભૌમત્વ જાહેર કરી દાવો કર્યો હતો કે તે વિસ્તાર હંમેશા તેમનો જ રહેશે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ ચીન દ્વારા ક્ષેત્રમાં યથાસ્થિતિમાં ફેરફારના પ્રયત્નનું પરિણામ હતી. મંત્રાલયે આ પણ કહ્યું હતું કે બંને પક્ષે જાનહાનિ થઈ છે અને જો સમજૂતી વહેલા આવી ગઈ હોત તો તેને ટાળી શકાઈ હોત. ચીનના વિદેશમંત્રીના પ્રવકતા ઝાઓ લિજીઅને ૪૩ ચીની સૈનિકોના મૃત્યુના અહેવાલો અંગે ટિપ્પણી કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે સરહદ પર તૈનાત દળો સંબંધિત બાબતો અંગે કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સરહદ પર પરિસ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં એક કર્નલ સહિત ર૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ છેલ્લા પાંચ દાયકામાં ભારત-ચીન વચ્ચે થયેલી સૌથી મોટી અથડામણ હતી.