ભારતની અનેક સરહદો પર ચીને સૈન્ય નિર્માણની ઝડપ વધારી છે, મોટા બંકરો પુષ્કળ પ્રમાણમાં દારૂગોળો અને યુદ્ધસામગ્રી રાખવા માટે બનાવાયા હોય તેવું જણાય છે : નિષ્ણાતો

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
ભૂતાન અને ચીન વચ્ચે આવેલા ડોકલામના પઠાર ખાતે ચીન યુદ્ધસામગ્રીવાળા બંકર બનાવી રહ્યું છે. સમાચાર એજન્સી દ્વારા મેળવાયેલી સેટેલાઇટ ઇમેજ દેખાડે છે કે, ૨૦૧૭માં ભારત અને ચીન વચ્ચેના વિવાદને લઇને ચર્ચામાં આવેલા આ ક્ષેત્રમાં ચીને સૈન્ય અને યુદ્ધસામગ્રીના બંકરો તૈયાર કર્યા છે. આ નિર્માણ સીચે-લા-પાસથી આશરે અઢી કિલોમીટર દૂર છે. સૈન્ય નિષ્ણાતો જણાવે છે કે, આ યુદ્ધસામગ્રી બંકરો જેવા જ છે અને તે ડોકલામના એ સ્થળથી આશરે સાત કિલોમીટર દૂર છે જ્યાં વર્ષ ૨૦૧૭માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી. આ નિર્માણ દેખાડે છે કે, ચીનની સેના ક્ષેત્રમાં પોતાની તૈયારીઓ વધારવામાં જોતરાઇ છે. ફોર્સ એનાલિસિસિના સૈન્ય નિષ્ણાત અને મુખ્ય સેટેલાઇટ ઇમેજરી એક્સપર્ટ સિમ ટેક જણાવે છે કે, નવા યુદ્ધ સામગ્રી બંકરોના નિર્માણ પાછળ ચીનનો ઉદેશ્ય આ ઠેકાણાઓ પર પોતાની સ્થિતિ મજબૂત કરવાનો છે જેથી ડોકલામમાં ઘર્ષણની સ્થિતિ પરિણમે તો વધુ કુશળતાથી લડાઇ લડી શકાય. ભૂતાન સાથે જોડાયેલી સરહદ પર એક ચીની ગામ મળ્યા બાદ બંકર નિર્માણની આ નવી સ્થિત ચિંતા ઉપજાવે તેવી છે અને ડોકલામમાં ફરી તંગદિલી વધી શકે છે. આ ક્ષેત્રની જુની તસવીરોથી જાણવા મળે છે કે, બંકરોનું આ નિર્માણ ડિસેમ્બર ૨૦૧૯ના પ્રારંભમાં જ થયો હતો. જ્યારે આ વર્ષે ૨૮ ઓક્ટોબરની તસવીર દર્શાવે છે કે, નિર્માણ લગભગ પૂર્ણ થઇ ચૂક્યું છે. નેવીના પૂર્વ કમાન્ડર કહે છે કે, આ બંકરો અત્યંત મજબૂતદેખાઇ રહ્યા છે આનાથી એવું લાગે છે કે, સંભવિત આ દારૂગોળો રાખવા માટે બનાવાયા હોઇ શકે.