હોંગકોંગ, તા. ૧૯
માલદીવના પ્રમુખ અબ્દુલ્લા યામીને તાજેતરમાં બેઈજિંગની પોતાની મુલાકાત દરમિયાન કોઈ પણ જાતના બંધારણીય કે કાનૂની ધોરણો અનુસર્યા વગર ઉતાવળે ચીન સાથે કરેલી મુક્ત વ્યાપાર સંધિ એટલે કે ફ્રી ટે્‌ડ એગ્રીમેન્ટ (એફટીએ)ના પગલે માલદીવમાં ચીન વિરોધી જોરદાર આક્રોશ ભડકી ઊઠ્યો છે. એફટીએની મુખ્ય ખામી એ છે કે તે મોટા ભાગે ચીનની તરફેણમાં છે અને તેના કારણે માલદીવના અર્થતંત્રના તમામ ક્ષેત્રમાં વિપરીત અસર પડશે. માલદીવના લોકો અને તેના બિઝનેસ સમુદાય એફટીએની અસરો પર ચિંતિત છે અને તેને ચીન દ્વારા પોતાના એજન્ડાને અનુસરવા માટેના આક્રમક પગલાં તરીકે જુએ છે. બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતી લઈને વિપક્ષોએ માત્ર વાંધો જ નથી ઊઠાવ્યો પરંતુ તેના વિરોધમાં પણ ઊતરી આવ્યા છે. માલદીવના લોકોનું માનવું છે કે, આ સમજૂતીથી માત્ર ચીનને જ ફાયદો થશે અને માલદીવના વેપારીઓ આ સમજૂતીથી ખૂબ જ નારાજ છે. માલદીવ સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનના દબાણમાં આવી જઈને પ્રમુખ યામીને આ એફટીએ સંધિ પર સહીઓ કરી છે. એફટીએ દસ્તાવેજ પર એક નજર નાખવાથી એવું સમજાય છે કે, એફટીએ માત્ર બેઈજિંગ પ્રેરિત છે અને માલદીવ માટે ભાગ્યે જ કોઈ ફાયદાકારક જોગવાઈ છે. આ સમજૂતી બાદ માલદીવને ઝીરો ડ્યુટી પર ફિશરીઝ પ્રોડક્ટ, નારિયેળ, કપાસના બિયારણ, ચીઝ, ઈંડા, સોયાબીન વગેરે માટે ચીનમાં માર્કેટ સંપૂર્ણપણે ખુલ્લું મુકાશે. અને તેના બદલામાં માલદીવે પોતાના કન્સ્ટ્રકશન, ટુરિઝમ એન્ડ ટ્રાવેલ, શિક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ, વોટર મેનેજમેેન્ટ, ઈન્સ્યુરન્સ, પરંપરાગત ઔષધો, પરિવહન વગેરે ક્ષેત્રો ચીન માટે ખુલ્લા મુકવા પડશે.