(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આવેલી પ્રથમ પ્રતિક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત શાંતિ ઈચ્છે છે. જો કે, અમે કોઈપણ ઉશ્કેરણી સામે બેસીશું નહીં. છેલ્લા પાંચ દશકમાં પ્રથમ વખત ભારત અને ચીન સરહદે બન્ને દેશોના સૈનિકો વચ્ચે ભીષણ ઘર્ષણ સર્જાયું હતું. જેના પગલે મોદીએ ઉકત પ્રતિક્રિયા આપી હતી. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, આ અથડામણમાં ર૦ સૈનિકોના મોત નિપજ્યા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. ચીન તરફે પણ ભારે જાનહાનિ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદની સ્થિતિની સમીક્ષા માટે ૧૯મી જૂનના રોજ તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી છે. બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સીડીએસ બિપિન રાવત અને સૈન્યની અન્ય ત્રણ પાંખોના વડા સાથે બીજા તબક્કાની બેઠક યોજી હતી. દરમિયાન ભારત સરકારે જણાવ્યું હતું કે, સરહદ પર પૂર્વવત સ્થિતિ સાથે ચીનની સેનાએ ચેડા કરવાનો પ્રયાસ કરતાં અથડામણ સર્જાઈ હતી. બીજી તરફ ચીનની સરકારે આ હિંસા માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવતાં આરોપ લગાવ્યો હતો કે, ભારતીય સૈનિકોએ સરહદ ઓળંગી હતી. ચીને ભારતના જવાનો પર ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવાનો આરોપ પણ લગાવ્યો હતો. ચીને જણાવ્યું હતું કે, આ કારણે અથડામણ થઈ હતી. વર્તમાન સ્થિતિ અંગે ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ચીનના તેમના સમક્ષ વાંગ ઈ સાથે ફોન પર વાતચીત કરી હતી. દેશના વિદેશ મંત્રાલયે ચીન સમક્ષ ભારત સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે જયશંકરે છ જૂનના રોજ બન્ને દેશોના સૈનિક અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકનો ઉલ્લેખ કર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયે ચીનને જણાવ્યું હતું કે, ૧પ જૂનના રોજ ગલવાન ખીણ ખાતે થયેલી અથડામણથી બન્ને દેશોના રાજદ્વારી સંબંધો પર અસર પડશે. બન્ને તરફના સૈનિકો દ્વિપક્ષીય સમજૂતી અને પ્રોટોકોલના પાલન માટે બંધાયેલા છે. બન્ને દેશોએ જવાબદારીપૂર્વક આ મુદ્દો ઉકેલવા સંમતિ દર્શાવી હતી.