ડિફેન્સ મંત્રાલય દ્વારા ચીનની ઘૂસણખોરી કબૂલ કરતો અહેવાલ પોતાની વેબસાઈટ પરથી હટાવી લેવાતાં ભારે વિવાદ સર્જાયો

વેબસાઇટ પરથી પેજ ગુમ થયા બાદ લિંક પણ કામ કરતી બંધ થઇ ગઇચીન દ્વારા પાંચમી મેથી ભારતમાં અતિક્રમણ કરાઇ રહ્યું છે, ૧૭-૧૮ મેના રોજ ચીને પેંગોંગ ત્સો, કુંગરાંગ નાલા, ગોગરા સહિતના વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરી ઘૂસણખોરી કરી, મંત્રણા ચાલુ છે પણ આ મડાગાંઠ લાંબા સમય સુધી ઉકેલાય કે ન ઉકેલાય ? : વેબસાઇટ પર સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે એકરાર કર્યો હતો

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
ચીને મે મહિનામાં પૂર્વ લદ્દાખની એલઓસી ફરતે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હોવાનો એકરાર કરતો સંરક્ષણ મંત્રાલયનો રિપોર્ટ સત્તાવાર વેબસાઇટ પર મુકાયાના બે દિવસમાં જ તેને ગાયબ કરી દેવાયો છે. હવે સંરક્ષણ મંત્રાલયની વેબસાઇટ પરથી આ પેજ ગાયબ થઇ ગયો છે અને તેની લિંક કોઇપણ રીતે કામ કરતી નથી. એલએસી પર ‘ચીનનું અતિક્રમણ’ શિર્ષક સાથે પ્રકાશિત કરાયેલા દસ્તાવેજમાં ૫મી મે ૨૦૨૦થી એલએસી અને ખાસ કરીને ગલવાન વેલીમાં ચીનનું અતિક્રમણ વધી ગયું હોવાનું સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટના નવા સેક્શનમાં ઉલ્લેખ કરાયો છે. તેમાં કહેવાયું છે કે, ચીન તરફથી ૧૭-૧૮મે ૨૦૨૦ના રોજ પેંગોંગ ત્સો લેક વિસ્તારના કુગરાંગ નાલા, ગોગરા અને ઉત્તરી કિનારાના વિસ્તારોમાં ચીને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
અહેવાલો અનુસાર સંરક્ષણ મંત્રાલયે પોતાની વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હતું જે અનુસાર લદ્દાખના અનેક વિસ્તારોમાં ચીનના અતિક્રમણની ઘટનાઓ વધી હોવાનો એકરાર કરાયો છે. ડોક્યુમેન્ટમાં મંત્રાલયે સ્વીકાર્યું છે કે, મે મહિનાથી ચીન એલએસી પર સતત પોતાનું અતિક્રમણ વધારતું રહ્યું છે. ખાસ કરીને ગલવાન ખીણ, પેંગોંગ ત્સો અને ગોગરા હોટ સ્પ્રિંગ જેવા વિસ્તારોમાં તેણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ડોક્યુમેન્ટમાં કહેવાયું હતું કે, પાંચમી મે બાદ એલએસી પર ચીનનું આક્રમક રૂપ જોવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પાંચ અને છ મેની રાતે જ પેંગોંગ ત્સોમાં ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઇ હતી. ડોક્યુમેન્ટમાં વધુમાં જણાવાયું હતું કે, જમીની સ્તરે વાતચીત બાદ સ્થિતિ શાંત પાડવા વિશે પ્રથમ કોર્પ્સ કમાન્ડર સ્તરની મંત્રણા છ જૂને થઇ પરંતુ ૧૫મી જૂને હિંસક અથડામણ થઇ અને બંને તરફે મોટાપાયે સૈનિકોના મોત નીપજ્યા હતા. બંને તરફથી મંત્રણાની ચર્ચા કરતા ડોક્યુમેન્ટમાં નોંધ્યું હતું કે, મંત્રણા લાંબા સમય સુધી ચાલી શકે છે. જ્યારે સૈન્ય તથા રાજદ્વારી રીતે બેઠકો અને મંત્રણા બંને તરફે સ્વીકાર્ય બને તેમ ચાલુ રહેશે જોકે હાલની મડાગાંઠ લાંબી ચાલી શકે તેની શક્યતા છે. ડોક્યુમેન્ટમાં નોંધ્યું હતું કે, ચીન દ્વારા ગેરકાયદે અતિક્રમણથી પૂર્વ લદ્દાખમાં સ્થિતિ હજુ પણ તંગદિલીભરી બની રહી છે અને સ્થિતિ ઉભી થવાને આધારે ઝીણવટભર્યું નિરિક્ષણ અને તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. ગુરૂવારે વેબસાઇટ પરથી આ દસ્તાવેજો ગાયબ થયા હતા અને તેની લિંક કોઇપણ રીતે કામ કરી રહી ન હતી. બીજી તરફ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ દસ્તાવેજો તેમના દ્વારા ગયા નથી. ઉલ્લેખનીય છે કે, પહેલીવાર સત્તાવાર રીતે દસ્તાવેજોમાં સરકાર દ્વારા કબૂલાત કરાઇ છે કે, ચીન દ્વારા ભારતની ધરતી પર અતિક્રમણ થયું છે. ૧૫મી જૂનની રાતે ચીન દ્વારા થયેલા અતિક્રમણનો સામનો કરતા થયેલી અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. જોકે, બાદમાં વડાપ્રધાને કહ્યું હતું કે ભારતની સરહદની અંદર ચીન એક ઇંચ પણ ઘૂસ્યું નથી.