(એજન્સી) નવી દિલ્હી, તા. ૮
ચીને ભારતીય સેના પર એલએસી પર ગોળીબાર કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે સરહદ પર ચાલી રહેલી તંગદિલી વધુ ઘેરી બની છે. બાદમાં ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી છે અને ભારતીય સેના દ્વારા ફાયરિંગ કરવાની બાબતનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. ભારતીય સેનાએકહ્યું છે કે, પહેલા ચીનના સૈનિકોએ ઉશ્કેરણી કરવા માટે હવામાં ગોળીબાર કર્યા હતા. સેનાએ સત્તાવાર નિવેદન જારી કરતા કહ્યું છે કે, ચીનના સૈનિકો અમારી ટોચની ચોકીઓ નજીક આવી ગયા હતા. આ દરમિયાન ખેંચતાણમાં ચીનના સૈનિકો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું તે સમયે ભારતીય સૈનિકો દ્વારા ધૈર્યનો પરિચય આપતા કોઇ ઉગ્ર પ્રતિક્રિયા આપી ન હતી. સેનાએ નિવેદનમાં એમ પણ કહ્યું કે, ચીનની સેનાની પશ્ચિમી કમાન્ડ દ્વારા પોતાના દેશવાસીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો છે.
ભારતીય સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારત તરફથી એલએસી પર ભારત તરફથી કોઇપણ પ્રકારની ઘૂસણખોરી કરાઇ નથી અને કોઇ ઉશ્કેરણી પણ કરાઇ નથી. પીએલએ તરફથી સતત સમજૂતીનું ઉલ્લંઘન કરાઇ રહ્યું છે અને આક્રમક યુક્તિઓ અજમાવાઇ રહી છે. જ્યારે સૈનિકોના પાછળ હટવા માટે સૈન્ય, રાજદ્વારી અને રાજકીય સ્તરે અત્યારે પણ વાત ચાલી રહી છે ત્યારે ચીન આ હરકત કરી રહ્યું છે. સેનાએ જણાવ્યું કે, સાતમી સપ્ટેમ્બરે પીએલએના સૈનિકો એલએસી પર અમારી ટોચની ચોકીઓ નજીક આવી ગયા હતા. આ દરમિયાન પીએલએના સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું અને અમારા સૈનિકોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમારા સૈનિકો ઉશ્કેરણી કરાઇ છતાં અત્યંત સમજદારી અને જવાબદારીનો પરિચય આપ્યો હતો. નિવેદન અનુસાર ભારતીય સેના શાંતિ જાળવવા માટે સમર્પિત છે પરંતુ પોતાના દેશની અખંડતા અને સાર્વભૌમત્વની સુરક્ષા કોઇપણ કિંમતે કરવા પણ સમર્પિત છીએ. સેનાએ નિવેદનમાં એમ પણ કહ્યું કે, પીએલએની પશ્ચિમી કમાન્ડ પોતાના દેશવાસીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચીનની સેના દ્વારા આરોપ લગાવાયો હતો કે, ભારતીય સેનાએ મંગળવારે સવારે વહેલી સવારે એલએસી પાર કરીને ચીનની સરહદ પર પેટ્રોલિંગ કરી રહેલા જવાનોને ચેતવણી આપીને ફાયરિંગ કર્યું હતું. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીનની સેનાના પ્રવક્તાને ટાંકતા આ અહેવાલ આપ્યા હતા.
અરૂણાચલમાંથી ગુમ થયેલા પાંચ લોકો પોતાની તરફે મળ્યા હોવાનું ચીને કબૂલ્યું : કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ
કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે, ચીને ખુલાસો કર્યો છે કે, અરૂણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલી પાંચ લોકો તેમની તરફે મળી આવ્યા છે તથા તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા ચાલુ છે. કેન્દ્રીય મત્રી કિરણ રિજિજુએ ટિ્વટ કરીને કહ્યું કે, ભારતીય સેના દ્વારા મોકલાયેલા હોટલાઇન સંદેશનો ચીનની પીએલએએ જવાબ આપ્યો છે. તેમણે પુષ્ટી કરી છે કે, અરૂણાચલપ્રદેશમાંથી ગુમ થયેલા પાંચ લોકો તેમની તરફે મળી આવ્યા છે. આ લોકોને પરત સોંપવાની પ્રક્રિયા અમારા સત્તાવાળાઓ દ્વારા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના માટે જરૂરી સામાન લઇ જનારા એક જૂથ સાથે ૧૮-૨૨ વર્ષની વયજૂથના પાંચ વિદ્યાર્થીઓ સામેલ હતા જે કાફલો મેકમોહન લાઇન જઇ રહ્યો હતો પરંતુ તેઓ માર્ગ ભટકી જતા ચીનની તરફે પહોંચી ગયા હતા. આ પહેલા આરોપ લગાવાયો હતો કે ચીનની પીએલએ સેના આ પાંચ લોકોને ઉઠાવી ગઇ છે.
LACપર સ્થિતિ અત્યંત ગંભીર : વિદેશમંત્રી જયશંકર
લદ્દાખમાં આવેલી ભારત-ચીનની સરહદ ઉપર તણાવની સ્થિતિમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે એલએસી ઉપર ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોવાનું તથા રાજનીતિક વાતચીતની વધારે જરૂર હોવાનું નિવેદન આપ્યું છે. લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, એલએસી પર ગંભીર સ્થિતિનું નિર્માણ થયુ છે. જયશંકરે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે તેઓ રશિયામાં સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા રવાના થયા છે. તેઓ મોસ્કોમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી શકે છે. જયશંકરે વધુમાં જણાવ્યુ હતુ કે, ચીને ભારત વચ્ચે રાજનીતિક વાતચીતની વધારે જરૂર છે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ચીનના સંરક્ષણ પ્રધાને મોસ્કોમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલાકાત કરવાનો સમય માગ્યો હતો. જે બાદ રાજનાથસિંહ સાથે ચીનના વિદેશ પ્રધાને મુલાકાત કરી હતી.
ભારતેLACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી : સંરક્ષણ મંત્રાલય
ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે એલએસીના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય સેનાએ ક્યારે પણ ઉશ્કેરવાની કાર્યવાહી કરી નથી, પરંતુ ચીન એલએસી પર સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ચીનના સૈનિકોએ એલએસી પર હવામાં ફાયરિંગ દ્વારા અતિક્રમણનો પ્રયત્ન પણ કર્યો. ૭ સપ્ટેમ્બરના પીએલએએ ઘૂસણખોરીનો પ્રયત્ન પણ કર્યો હતો. પૂર્વ લદ્દાખમાં સોમવારની ઘટના પર ભારતીય સેનાએ કહ્યું, ચીન સ્થિતિને તણાવપૂર્ણ બનાવવા માટે સતત ઉશ્કેરવાની કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ક્યારે પણ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી નથી અને ગોળીબાર સહિત કોઇ આક્રમક રીતનો ઉપયોગ કર્યો નથી. પીએલએના સૈનિકોએ ભારતીય સેનાને ડરાવવાનો પ્રયાસમાં હવામાં કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
Recent Comments