(એજન્સી) બેઈજિંગ,તા.રર
ચીને ભારત કરતા વધુ સૈનિકો ગુમાવ્યા ન હતા, ભારતીય અધિકારીઓએ ખોટી માહિતી આપી હતી એવો દાવો ચીનના સરકારી મીડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. ૧પ જૂને ગલવાન ખીણ ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપીમાં દેશના ર૦ જવાનો શહીદ થયા હતા. જયારે ચીનના ૪૩ સૈનિકો માર્યા ગયા હતા અને ઘણાને ગંભીર ઈજા થઈ હતી. જો કે ભારત સરકારે ચીન તરફે કેટલી જાનહાનિ થઈ હતી તે અંગે સત્તાવાર રીતે કોઈ આંકડા જાહેર કર્યા ન હતા. કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સૈનિક વડા વી.કે. સિંહે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, ગલવાન ખીણ ખાતે થયેલી અથડામણમાં ચીનના ૪૦ સૈનિકો માર્યા ગયા હતા. વી.કે. સિંહના નિવેદન અંગે પ્રતિક્રિયા આપવા જણાવાતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે તેમની પાસે આ નિવેદન મુદ્દે કોઈ માહિતી નથી. બીજી તરફ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે ચીન તરફે પણ જાનહાનિ થઈ છે. જો કે તેમના દ્વારા વિગતવાર કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ચીનના સરકારી મુખપત્રએ દાવો કર્યો હતો કે જો ચીન જે ર૦થી ઓછા આંકડા જાહેર કરશે તો ભારત સરકાર પર ફરી દબાણ સર્જાશે. મુખપત્રમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય અધિકારીઓએ ખોટા આંકડા જાહેર કર્યા હતા ભારતે અંતિમવાદીઓને સંતોષવા આવા આંકડા જાહેર કર્યા હતા.