(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલીમાં ૧૫મી જૂનની રાતે હિંસક અથડામણ બાદ ચીનના સૈનિકો દ્વારા ભારતના ચાર અધિકારીઓ સહિત ૧૦ સૈનિકોને બંધક બનાવ્યા હતા અને આ અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. બંધક બનાવાયેલા સૈનિકોને હવે છોડી મુકાયા છે. સેનાની ગલવાન વેલીમાં મેજર જનરલ સ્તરની ત્રણ દિવસની વાતચીત બાદ બે મેજર સહિતના ૧૦ સૈનિકોને મુક્ત કરાયા છે. જોકે, સેનાએ કેટલાક દિવસથી આ અહેવાલ છૂપાવી રાખ્યા હતા અને પોતાના સત્તાવાર નિવેદનમાં પણ તેનો ઉલ્લેખ કરાયો ન હતો. સેનાએ ગુરૂવારે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ચીન સાથેની અથડામણમાં સામેલ તમામ સૈનિકોની ગણતરી કરી લેવાઇ છે. પૂર્વ લદાખ સ્થિત ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચેના હિંસક સંઘર્ષમાં ચીની સેનાએ ૧૦ સૈનિકોને બંધક બનાવી દીધા હતા. એક રિપોર્ટ મુજબ, ચીની સેનાએ બે મેજર સહિત ૧૦ ભારતીય સૈનિકોને બંધક બનાવી દીધા હતા. આ સૈનિકોને ત્રણ દિવસની વાતચીત બાદ મુક્ત કરાવવામાં સફળતા મળી છે. જો કે, આ વાત ભારતીય સેના તરફથી અધિકૃત નિવેદનમાં જાહેર નથી કરવામાં આવી.
આ પહેલા ભારતીય સેનાએ ગુરુવારે તે મીડિયા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ત્રણ દિવસ પહેલા ચીની સૈનિકોની સાથે થયેલા હિંસક સંઘર્ષ બાદ તેમને કોઈ સૈનિક ગુમ છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કાર્યવાહીમાં કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા. એવા પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા હતા કે ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ બાદ ચીની સેનાએ ભારતીય સેનાના કેટલાક સૈનિકોને કેદ કરી દીધા છે. આ સંઘર્ષમાં ૨૦ ભારતીય સૈનિક શહીદ થયા હતા. ચીને હતાહતોની સંખ્યા હજુ સુધી જાહેર નથી કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ પણ એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે સોમવારે થયેલા સંઘર્ષ બાદથી કોઈ ભારતીય સૈનિક ગુમ નથી થયા.