(એજન્સી) તા.રપ
કોરોના વાયરસ મહામારી સામે લડવાની પદ્ધતિ મુદ્દે ચીનની ટીકા કરતાં અમેરિકા સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી હજી પણ આ વાયરસને રોકવા માટે જરૂરી માહિતી વિશ્વને આપી રહી નથી. વોશિંગ્ટન રેડિયો પ્રોગ્રામ સાથેના એક ઈન્ટરવ્યુમાં પોમ્પિઓએ અગાઉના આક્ષેપોનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું કે વાયરસ અંગે જાણકારી આપવામાં બેઈજિંગે કરેલા વિલંબના કારણે સમગ્ર વિશ્વના લોકો સામે ખતરો ઊભો થયો છે. પોમ્પિઓએ કહ્યું હતું કે મારી ચિંતા એ છે કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી હજી પણ વાયરસને રોકવા માટે જરૂરી માહિતીને છૂપાવી રહી છે. પોમ્પિઓએ ઈરાન અને રશિયા પર પણ આ વાયરસની માહિતી છૂપાવવાનો આક્ષેપ મૂક્યો હતો. પોમ્પિઓએ કહ્યુ હતું કે આ એક વૈશ્વિક કટોકટી છે. અને આપણે આ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક દેશ પારદર્શી બને અને દરેક માહિતીનું આદાનપ્રદાન કરે કે જેથી આ ચેપી રોગને નાથવામાં મદદ મળે.