પબજી ઉપરાંત વીચેટ, વીચેટ વર્ક, વીચેટ રીડિંગ, કેરમ ફ્રેન્ડસ, એપ લોક સહિતની ભારતમાં લોકપ્રિય એપ્સ બંધ : દેશની સલામતી માટે નિર્ણય : આઈટી મંત્રાલય • દરરોજ ૧૩ મિલિયન લોકો પબજી રમતા હતા : અત્યાર સુધી રર૪ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવાયો

(એજન્સી) નવી દિલ્હી, તા.૨
સરહદે ચીન સાથે જારી વિવાદ વચ્ચે ફરી એક વખત ભારત સરકારે વધુ કેટલીક ચીની મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે ફરી એક વખત ચીન પર ડિજીટલ સ્ટ્રાઈક કરતા ખળભળાટ મચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, પબજી સહિત વધુ ૧૧૮ ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ અગાઉ પણ ભારત સરકારે કેટલીક ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યા હતા. અગાઉ સરકારે ૫૯ એપ્સ પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં ટીક ટોકનો પણ સમાવેશ થતો હતો. ત્યારબાદ સરકારે અન્ય ૪૭ એપ્સને બંધ કરી હતી. બુધવારે ફરી એક વખત સરકાર દ્વારા પબજી સહિત ૧૧૮ એપ્સ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. બુધવારે સરકારે જે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં કેટલીક લોકપ્રિય એપ્સનો પણ સમાવેશ થાય છે. જેમાં પબજી, વીચેટ, એપ લોક જેવી એપ્સ મુખ્ય છે. ભારતમાં પબજીની લોકપ્રિયતા પરાકાષ્ઠાએ છે. સરકારે જણાવ્યું હતું કે, દેશના હિતમાં વધુ એપ્સ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સલામતી અને સંરક્ષણ માટે આ પ્રતિબંધો લગાવાયા હોવાનું જણાવાયું હતું. વિશ્વમાં ૭૩૪ મિલિયન ડાઉનલોડ સાથે પબજી પાંચમાં સ્થાનની સૌથી લોકપ્રિય એપ છે. જ્યારે ભારતમાં પબજીના ૫૦ મિલિયન સક્રિય ખેલાડીઓ છે. દરરોજ પબજીનો ૧૩ મિલિયન લોકો ઉપયોગ કરે છે. આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, સેકશન ૬૯એ હેઠળ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને અનેક એવી ફરિયાદો મળી હતી જેમાં મોબાઈલ એપ્સનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હોય. આ એપ્સ સલામતી માટે ચિંતાજનક હોવાથી સરકારે આકરો નિર્ણય લીધો હતો. મંત્રાલયને મળેલી ફરિયાદોમાં એવી વિગત જણાવાઈ હતી કે, આ એપ્સના માધ્યમથી ભારતીય યુઝરોનો ડેટા સરહદ પાર જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. ગેમ્સ એપ્સ સાથે જે અન્ય એપ્સ પ્રતિબંધિત કરવામાં આવી છે તેમાં ઓનલાઈન પેમેન્ટ સેવા, ડેટિંગ સાઈટ અને સોફટવેર એડિટ એપ્સનો સમાવેશ થાય છે.
આઈટી મંત્રાલય તરફથી જારી આદેશ મુજબ, પબજી ઉપરાંત બાઈડુ, એપીયુએસ લોન્ચર પ્રો જેવી એપ્સને પણ પ્રતિબંધિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, જુનના અંતમાં ભારત સરકારે ટીક ટોક ઉપરાંત ૫૮ ચીની એપ્સ પર મનાઈ ફરમાવી હતી. જેમાં શેરલેટ, યુસી બ્રાઉઝર, શેઈન, કલબ ફેકટરી, કલેશ ઓફ કીંગ્સ, હેલો, મી કોમ્યુનિટી, કેમસ્કેનર, ઈએસ ફાઈલ એકસપ્લોરર, વીમેટ જેવી ધણી એપ્લિકેશનનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગત જૂલાઈ માસમાં સરકારે વધુ ૪૭ એપ્સ બંધ કરી હતી. સરકારે આ નિર્ણય લેતા જણાવ્યું હતું કે, આ તમામ એપ્સ એવી કેટલીક ગતિવિધિઓમાં સામેલ હતી જે દેશની અંખિડતતા, સંપ્રભુતા, દેશની સુરક્ષા, રાજ્યોની સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા સામે ખતરારૂપ બની શકે તેમ હતી.
આઈટી મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેને આ એપ્સ વિશે અનેક ફરિયાદો મળી હતી. અમને ઘણા અહેવાલો પ્રાપ્ત થયા હતા કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરની કેટલીક મોબાઇલ એપ્લિકેશનો વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે અને તેમને દેશની બહાર સ્થિત તેમના સર્વર્સ પર ગેરકાયદેસર રીતે પુરી પાડી રહી છે.
લોકપ્રિય ટિકટોક સહિત અનેક ચાઇનીઝ એપ્લિકેશનો પર અગાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂનના અંતમાં, ભારતે ચાઇનાથી ટિકટોક, હેલો સહિતની ૫૯ મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈના અંતમાં વધુ ૪૭ ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ ચીનની ૨૨૪ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.