(એજન્સી) તા.૧૭
લદ્દાખમાં ચીનના સૈનિકો સાથે થયેલી હિંસક ઝપાઝપીમાં ભારતના ત્રણ સૈનિકો શહીદ થઇ ગયા છે તે સમાચારોને પુષ્ટિ મળી તેના થોડાં જ સમય બાદ વડાપ્રધા નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સમક્ષ એક ભાષણ આપ્યું હતું જેનું ટેલિવિઝન ઉપર પ્રસારણ પણ કરાયું હતું.
તેમણે કોરોના વાયરસની કટોકટી વિશે વાત કરી હતી. સાવચેતી રાખવાની વાત કરી હતી અને અર્થતંત્ર ફરીથી બેઠું થઇ રહ્યું છે એવી પણ વાત કરી પરંતુ તેમણે ભારતીય જવાનોની શહીદી વિશે કે ચીન અને ભારત વચ્ચે ૪૪ વર્ષ બાદ પ્રથમવાર હિંસક અથડામણ થઇ છે તે અંગે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો. બુધવારની સવાર સુધી તો સરહદે ૨૦ જવાનોની શહીદીના સમાચાર આવી ગયા હતા, તેમ છતાં વડાપ્રધાન તરફથી એકપણ નિવેદન આવ્યું નહોતું. પ્રથમ નિવેદન લશ્કરના પ્રવક્તા તરફથી અને બીજું નિવેદન વિદેશ મંત્રાલય તરફથી આવ્યું હતું. આ ઘટના અંગે જાહેરમાં બોલનાર કોઇ વરિષ્ઠ નેતા પણ સરકારનો કોઇ મંત્રી નહીં પરંતુ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હતા.
વડાપ્રધાન દ્વારા સેવાયેલા મૌનના પગલે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાજીવ ગાંધીને પ્રશ્ન પૂછવા પ્રેરણા મળી હતી. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી હતી કે “શા માટે વડાપ્રધાન ચૂપ છે ?” “શા માટે તે સંતાઇ રહ્યા છે ?” “બહુ થયું હવે, અમે જાણવા માંગીએ છીએ કે શું થયું છે ?” “આપણા સૈનિકોની હિંસા કરી નાંખવાની ચીનની હિંમત કેવી રીતે ચાલી ?” “આપણી ભૂમિ આંચકી લેવાની તેઓની હિંમત કેવી રીતે થઇ ?”
શું હવે મોદી કંઇ કહેશે ? તેમણે આ ખરાબ સમાચાર રાષ્ટ્રને આપવામાં શક્ય હોય એટલી હદે ટાળ્યા હતા અને આ સમગ્ર બાબત તેમની કેબિનેટના પ્રધાન ઉપર કે કોઇ સનદી અધિકારી ઉપર છોડી દીધી હતી. ૨૦૧૯માં બાલાકોટની ઘટના બાદ જ્યારે પાકિસ્તાને ભારતીય જેટ ફાઇટર વિમાનને તોડી પાડ્યું ત્યારે પણ તેમણે જ્યાં સુધી પાકિસ્તાને ભારતીય પાઇલટને છોડી ન દીધો ત્યાં સુધી ગણતરીપૂર્વકનું મૌન ધારણ કરી લીધું હતું. તેથી જ કાયમ એવી શક્યતા રહેલી હોય છએ કે કોઇપણ નિવેદન આવશે તો તે ફક્ત સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ તરફથી આવશે. ચીનની ઘૂસણખોરી વિશે વારંવાર પ્રશ્નો પૂછાતા સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે અમારી સરકાર કોઇને અંધારામાં રાખવા માંગતી નથી. છેવટે બુધવારે બપોરે રાજનાથસિંઘે આ મુદ્દે બે ટિ્‌વટ કર્યા હતા, પરંતુ મહત્વની બાબત એ હતી કે તેમના ટિ્‌વટમાં ક્યાંય પણ ચીનનો ઉલ્લેખ કરાયો નહોતો. રાજનાથસિંઘે પોતાના ટિ્‌વટમાં લખ્યું હતું કે લદ્દાખમાં ભારતીય સૈનિકોના મોતના સમાચારો ખરેખર ખુબ જ દુઃખદ અને ખેદજનક છે. ભારતીય જવાનોએ માતૃભૂમિની રક્ષા કરવાની પોતાની ફરજ બજાવતા બજાવતા અભૂતપૂર્વ હિંમત, સાહસ અને શૌર્યનું દૃષ્ટાંત દાખવી પોતાની જાતનું બલિદાન આપી દીધું હતું.
બીજા ટિ્‌વટ મેસેજમાં સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર ભારતીય જવાનોની બહાદૂરી અને બલિદાનને ક્યારેય ભૂલશે નહીં. શહીદ થયેલા જવાનોના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરુ છું. આફતની આ ઘડીમાં સમગ્ર રાષ્ટ્ર તેઓની સાથએ ખભે ખભા મિલાવીને ઉભું છે. ભારતીય જવાનોએ દાખવેલા સાહસ અને શૌર્યનું અમને ખુબ જ ગૌરવ છે.
પ્રજાને તદ્દન અંધારામાં રાખવામાં આવી
સાચી વાસ્તવિકતા તો એ હતી કે ભારત સરકારે લદ્દાખ સરહદે પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અંગે પારદર્શીતા દાખવવા એક મહિના સુધી સતત ઇન્કાર કર્યો હતો. કેટલાંક ન્યૂઝ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હજુ પણ ચીનના સૈનિકો ૬૦ ચોરસ કિલોમિટરના વિસ્તારમાં અડ્ડો જમાવીને બેઠા છે. ચીન સાથે લશ્કરી અધિકારીઓના જુદા જુદા સ્તરે શું મંત્રણાઓ થઇ, શું વાટાઘાટો થઇ તે અંગે સરકારે કોઇ ફોડ પાડ્યો નહોતો. સરકાર તરફથી વારંવાર એક જ વાતનું રટણ ચાલું રહ્યું હતું કે સરહદે તંગ સ્થિતિ નથી અને બંને દેશના સૈનો વચ્ચે કોઇ ઝપાઝપી થઇ નથી. હવે જ્યારે ૨૦ જવાનોની શહીદીના સમાચાર આવી ગયા છે તેમ છતાં સરકાર તરફથી કોઇ સત્તાવાર માહિતી આવી નથી.
(સૌ. : સ્ક્રોલ.ઈન)