(એજન્સી) નવી દિલ્હી, તા.૭
ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઘટી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે અને સોમવારે ચીની સેનાએ પોતાના તંબુ પાછા લેવાનું શરૂ કરી દીધું હતું પરંતુ ભારતે હજુ પણ પોતાનું આકરૂં વલણ જાળવી રાખ્યું છે. લડાકુ હેલિકોપ્ટર અપાચેએ સોમવારે રાતે ભારત ચીન સરહદ પાસે એક ઓપરેશન પાર પાડ્યું હતું. અપાચે, ચિનુક સહિત વાયુસેનાના અનેક વિમાનો મોડી રાતે ઉડાન ભરતા દેખાયા હતા અને તેમણે ચીન પર નજર રાખી હતી.
ભારત-ચીન સરહદ પરના ફોરવર્ડ બેઝ પર અપાચે હેલિકોપ્ટરે મોનિટરિંગ માટે ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના સતત સરહદ પર અભ્યાસ કરી રહી છે અને દરેક સ્થિતિનો સામનો કરવા તૈયારી કરી રહી છે. માત્ર અપાચે જ નહીં પરંતુ ચિનુક હેલિકોપ્ટરે પણ તે સ્થળે અભ્યાસ કર્યો હતો. અપાચે હેલિકોપ્ટર સિવાય મિગ-૨૯ સહિત અન્ય અનેક લડાકુ વિમાને અગાઉ લેહના આકાશમાં ઉડાન ભરેલી છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગત વર્ષે જ ભારતીય વાયુસેનાની ફોર્સમાં ૮ અપાચે લડાકુ હેલિકોપ્ટર્સે સ્થાન મેળવ્યું હતું અને ત્યારબાદ સેનાની શક્તિમાં વધારો થયો હતો. અમેરિકી કંપની બોઈંગ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરે છે. આ હેલિકોપ્ટર્સની મારક ક્ષમતા ખૂબ જ ખતરનાક હોય છે. સાથે જ તેની ડિઝાઈન પણ એવી હોય છે કે તે રડારની પકડમાં નથી આવતા. અપાચે આશરે ૨૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે અને ૧૬ એન્ટી ટેન્ક મિસાઈલ છોડવાની ક્ષમતા ધરાવે છે. આ હેલિકોપ્ટર્સ અટક્યા વગર આશરે ત્રણ કલાક ઉડી શકે છે.