(એજન્સી) તા.૨૮
વિશ્લેષકોએ એવી ચેતવણી આપી છે કે દ્વિપક્ષીય તંગદિલી એ પ્રવર્તમાન કોવિડ-૧૯ મહામારી વચ્ચે ચીનની કંપનીઓ વિરુદ્ધ અનેક પડકારો અને પોતાની આર્થિક ક્ષમતામાં ભારતનો અતિ આત્મવિશ્વાસ લાંબાગાળે તેને નુકસાન પહોંચાડશે અને જેવા સાથે તેવી ટેરીફ વોર થવાની શક્યતા જણાતી નથી.
ભારત સરકાર સિંગલ મોડ ઓપ્ટીકલ ફાઇબરની આયાત પર ઉપાયકારી ડ્યૂટી લાદવાનું વિચારી રહેલ છે તેવા હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ બાદ વિશ્લેષકોએ આવી ટિપ્પણી કરી છે. વિશ્લેષકોનું કહેવું છે કે ચીન સાથેની ટેરિફ વોર ભારત માટે બુમરેંગ પુરવાર થશે અને સંપૂર્ણકક્ષાની ટ્રેડ વોર થવાની શક્યતા જણાતી નથી. બેઇજિંગ સ્થિત ઓપ્ટીકલ ફાઇબર કેબલ પ્રોડ્યુસર અને એક્સપોર્ટર કંપનીના એક મેનેજરે ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે ભારતને વેચાણ કંપનીની કુલ નિકાસમાંથી વેચાણ ખૂબ જ ઓછું થાય છે અને ચાઇનીઝ ફાઇબર પ્રોડક્ટ ભારતીય કરતાં વધુ સારી ગુણવત્તા અને ઓછી કિંમતે ઉપલબ્ધ છે કારણ કે ચીનમાં તેનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી તેની કિંમત ઓછી છે. ભારત આવી પ્રોડક્ટ પર ટેરીફ વધારશે એવું કહેવું મુશ્કેલ છે કારણ કે તેના પર આયાત માટે તે નિર્ભર છે. પરંતુ નિખાલસ વાત કરૂં તો ચીનની પ્રોડક્ટ ભારત માટે સૌથી સસ્તી પસંદગી છે એવું મેનેજરે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચીનના વાણિજ્ય મંત્રાલયે ૧૪, ઓગસ્ટથી શરૂ કરીને ભારતમાંથી આયાત થતાં સિંગલ મોડ ઓપ્ટીકલ ફાઇબર પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદી હતી. ફાઇબરનો મુખ્યત્વે ટેલિકોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે. ચીન અને ભારત વચ્ચે અમેરિકા-ચીન જેવી ટ્રેડ વોર કે ટેરિફ વોર થવાની શક્યતા લગભગ અશક્ય છે. પરંતુ કેટલાક છૂટાછવાયાં પગલાની શક્યતા નિવારી શકાય નહીં એવું સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર અને ચીનની વેનવીન યુનિવર્સિટી ખાતે સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પોલિટીકલ ઇકોનોમિ સ્ટડીઝના ડાયરેક્ટર બાઓ જિયાનયુને જણાવ્યું હતું. લાંબાગાળે ભારત અને ચીન વચ્ચે સારા વ્યાપારી સંબંધો બંને દેશો માટે ખાસ કરીને ભારત માટે લાભદાયી છે કારણ કે ચીન ભારતનું મહત્ત્વપૂર્ણ ટ્રેડિંગ પાર્ટનર છે. લાંબાગાળે વ્યાપાર ઘર્ષણ ભારતને વધુ નુકસાન કરશે. જો ભારત અંતિમ સ્તરના સંરક્ષણવાદી પગલાંઓ ભરવાનું ચાલુ રાખશે તો ચીન પણ વળતા પગલા ભરીને જવાબ આપશે.