(એજન્સી) તા.૧
ભારત ચીન સરહદી વિવાદના મામલે ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ભારતના સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે થયેલ વધુ એક અથડામણ પરથી હવે એવું જણાય છે કે સરહદી મોરચે બે યુદ્ધ છેડાવાનું દુઃસ્વપ્ન કદાચ સાચું પડશે.
આમ લશ્કરી અને પરમાણુ સાથીઓ પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ બે મોરચે યુદ્ધની શક્યતા હવે ધીમે ધીમે આગળ વધી રહી છે. ભારત-ચીન મામલે બંને સૈન્યોના કમાન્ડરોની બેઠકો યોજાઇ રહી છે પરંતુ ૩૧, ઓગસ્ટના રોજ સંરક્ષણ મંત્રાલયના નિવેદને એવો નિર્દેશ આપ્યો છે કે બંને સૈન્યો વચ્ચે ફરીથી ઘર્ષણ થયું હતું અને તેના પગલે મડાગાંઠ વધુ ગુંચવાઇ છે. આ અગાઉ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતે પણ ૨૪, ઓગસ્ટના રોજ સ્પષ્ટપણે જાહેર કર્યુ હતું કે પૂર્વીય લદ્દાખમાં ચીની સૈન્ય પીએલએ સાથે જો રાજદ્વારી અને સૈન્ય સ્તરની વાટાઘાટો, મડાગાંઠને ઉકેલવામાં નિષ્ફળ જશે તો ભારત સમક્ષ લશ્કરી વિકલ્પ પણ ખુલ્લો છે. તેના બે દિવસ બાદ ૨૬, ઓગસ્ટે વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે એલએસી પર ૧૯૬૨ બાદ સરહદની સ્થિતિ વધુ ગંભીર છે. જયશંકરે એક મુલાકાતમાં એવું જાહેર કર્યુ હતું કે ૪૫ વર્ષ બાદ આ બોર્ડર પર આપણી લશ્કરી ખુવારી થઇ છે. દરમિયાન મધ્ય જૂનથી ઓગસ્ટના પ્રારંભ સુધી ભારત અને ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે યોજાયેલ વાટાઘાટના પાંચ દૌરનું પરિણામ ભાગ્યે જ કંઇ આવ્યું છે અને પીએલએની ઘેરાબંધી હજુ દૂર થઇ નથી. પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરને ૧૯૮૭માં ભારતીય સૈન્ય અને પીએલએ વચ્ચે થયેલા આ જ પ્રકારના ઘર્ષણને ટાંકીને સંયમ અને ધીરજ રાખવા સલાહ આપી છે.
જનરલ રાવતે ડોકલામમાં ૭૩ દિવસની મડાગાંઠનો અંત આવ્યાના થોડા દિવસ પછી જણાવ્યું હતું કે ચીન એક એવો દેશ છે જેના અંગે ભારતે સતર્ક રહેવાની જરુર છે અને સંઘર્ષમાં પરિણમી શકે એવી સ્થિતિ માટે સુસજ્જ રહેવાની પણ જરુર છે. બીજી બાજુ હાલ ભારત ચીન સરહદે સુરક્ષાની બાબતમાં વ્યસ્ત હોવાથી ભારતની આ સ્થિતિનો પાકિસ્તાન પણ લાભ ઉઠાવી શકે છે. આમ બે મોરચે યુદ્ધ લડાવાનું દુઃસ્વપ્ન કદાચ સાચું પડી શકે છે.
(સૌ. : ધ વાયર.ઈન)