(એજન્સી) તા.૧૮
ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલી તંદ પરિસ્થિતિ વચ્ચે ચીનનો બહિષ્કાર કરવાનો જે આઇડિયા ઊભો થયો છે તે સહેજપણ વ્યવહારૂ નથી એમ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ટીપીસીઆઇ)ના ચેરમેન મોહિત સિંગલાએ આજે કહ્યું હતું.
જો હાલની વાસ્તક પરિસ્થિતિ ઉપર નજર નાંખવામાં આવે તો ચીન વિરૂદ્ધ જે લોકલાગણી ભડકી ઉઠી છે તે દેશના આર્થિક હિતમાં નથી એમ ટીપીસીઆઇના ચેરમેન સિંગલાએ આઉટલૂક મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તે ઇન્ટરવ્યૂના કેટલાંક અંશ આ મુજબ છે.
ભારતના જવાનોની હત્યા કરી નાંખવાની અને સરહદે પ્રવર્તમાન ટેન્શનની દેશના અર્થતેત્ર ઉપર તાત્કાલિક કઇ અસર પડી શકે છે એવો પ્રશ્ન પૂછતાં સિંગલાએ કહ્યું હતું કે, તે અંગે હાલ કંઇપણ કહેવું ઘણું કવેળાનું ગણાશે કેમ કે, બંને દેશો આ વિવાદનો કોઇ શાંતિપૂર્ણ ઉકેલ લાવવા પ્રયાસો કરી રહ્યા છે.
શું તમે એવું માનો છો કે, ભારતમાં ચીનના માલ-સામાનના થયેલા બહિષ્કારના કારણે ચીનના અર્થતંત્રમાં એક નિરાશા વ્યાપી ગઇ હતી જેના પગલે સરહદે ઇરાદા પૂર્વક હરકત કરવામાં આવી એવા અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં સિંગલાએ કહ્યું હતું કે, ભારતના બહિષ્કારના કારણે ચીનના અર્થતંત્રમાં નિરાશા વ્યાપી છીએ એવું હાલ કહી શકાય નહીં કેમ કે, ચીન માટે ભારત ઘણુ મોટું બજાર છે. હાલ ભારત અને ચીન વચ્ચે ૮૫ અબજ ડોલરનો વિદેશ વ્યાપાર થાય છે અને ભારતના ઘણા સેક્ટર આયાત માટે હજુ ચીન પર નિર્ભર છે. સ્માર્ટફોન, ફાર્માસ્યૂટિકલ ઉપકરણો, ઇલેકટ્રોનિક માલ-સામાન, મેડિકલ સાધનો, સોલાર પ્લાન્ટ માટેના સાધનો, ઓટો મોબાઇલ કંપનીઓ માટે ઉપયોગી અનેક પૂર્જા અને ટેક્સટાઇલ ક્ષેત્રના અનેક સાધનોની આયાત માટે ભારતની કંપનીઓને હજુ ચાઇનીઝ કંપનીઓ ઉપરઆધાર રાખવો પડે છે એમ સિંગલાએ કહ્યું હતું.
શું ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવો ભારતને પરવડશે ખરો એવા એક સીધા અને વેધક પ્રશ્નના ઉત્તરમાં ચેરમેન સિંગલાએ કહ્યું હતું કે, ના ભારતને તે સહેજપણ પોસાસે નહીં. ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવો અને તેના સ્થાને અન્ય દેશોમાંથી આયાત કરવાની જે વાતો ચાલી રહી છે તે તદ્દન બિનવ્યવહારૂં છે, ઉલ્ટાનું લોકોએ સ્વદેશી ઉદ્યોગોને વિકસાવવાની હાકલ કરવી જોઇએ, જેના પરિણામે જો કોઇ ઉદ્યોગ એકદમ પીઢ થઇ જશે અને માંગને પહોંચી વળવા સક્ષમ બની જશે તો આપોઆપ આયાતનો વિકલ્પ મળી રહેશે જેનું હંમેશા સ્વાગત કરાશે એમ સિંગલાએ કહ્યું હતું.