વડોદરા, તા.૩
વડોદરા ક્રાઈમ બ્રાંચની એન્ટી ચેઈન સ્નેચિંગ સ્કવોર્ડે મહિલાઓના પર્સની ચીલઝડપ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ૧.૧૩ લાખના મુદ્દામાલ સાથે કિશોર સહિત ૩ આરોપીની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે અનિલ કિશ્નચંદ બુધવાણી (ર૭, રહે.સી-૧પ શિવધારા ફ્લેટ, વારસિયા, વડોદરા), રાકેશ સંતોષભાઈ ચાવલા (ર૩, રહે.ટી-૯, ર૯૬, વાસવાણી કોલોની, વારસિયા, વડોદરા) અને એક કિશોરની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓના પર્સની ચીલઝડપ કરી હોવાનું કબૂલ્યું છે અને એક બાઈક, ૪ મોબાઈલ, એક સોનાની વીંટી, કાંડા ઘડિયાળ અને રોકડા રર૦૦ રૂપિયા સહિત ૧,૧૩,ર૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.