(એજન્સી) તા.ર૩
દિલ્હી હાઈકોર્ટે લાભના પદની બાબતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને મોટી રાહત આપી છે. દિલ્હી હાઈકોર્ટે આપના ર૦ ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની બાબતમાં ચૂંટણીપંચને ફેરવિચારણા કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ વિશે સુનાવણી કરતા આને ન્યાયના પ્રાકૃતિક સિદ્ધાંતો વિરૂદ્ધ ગણાવ્યું હતું. કોર્ટના આ નિર્ણય પછી આમ આદમી પાર્ટી નેતા અલ્કા લાંબાએ કહ્યું છે કે દિલ્હી સરકારને પાડી દેવાનો ષડયંત્ર નિષ્ફળ ગયો છે. બીજી તરફ આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ધારાસભ્યોને તેમનો પક્ષ રાખવાની તક આપવામાં નથી આવી. આથી કોર્ટ તરફથી તેમને આ તક આપવામાં આવી. ચૂંટણી પર ફરીવાર આ બાબતની સુનાવણી કરશે. લાભના પદની બાબતમાં તેના ધારાસભ્યોનું સભ્યપદ રદ થયા પછી આપના ધારાસભ્યોએ ચૂંટણીપંચના આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
આ પહેલા ચૂંટણીપંચે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર વિચાર કરવા જેવું નથી તેથી તેને નકારી દેવામાં આવે. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ ચંદ્રશેખરની ખંડપીઠને જણાવવામાં આવ્યું હતું કે આપના ધારાસભ્યોએ ચૂંટણીપંચની ભલામણને પડકારી છે પરંતુ આ પ્રયત્ન નિરર્થક છે કારણ કે રાષ્ટ્રપતિ કોવિંદ આ ભલામણો પર તેમનો નિર્ણય કરી ચૂક્યા છે.
આયોગે કહ્યું હતું કે, ધારાસભ્યોએ ર૦ જાન્યુઆરીએ લીધેલા નિર્ણયને પડકાર આપ્યો નથી જેમાં ચૂંટણીપંચની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પહેલાં ર૪ જાન્યુઆરીએ હાઈકોર્ટે કેન્દ્ર દ્વારા ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાના જાહેરનામા પર સ્ટે આપવાની મનાઈ કરી હતી, પરંતુ પેટાચૂંટણી માટે તારીખ જાહેર કરવા પર સ્ટે આપવામાં આવ્યો હતો.