ગાંધીનગર, તા.૧૬
રાજ્યમાં ગરીબ પ્રજાને આરોગ્યની સારવાર માટે સરકાર તેના વિસ્તાર પ્રમાણે ખર્ચ કરે છે. ખુદ રાજ્ય સરકાર જ રાજ્યની પ્રજાને આરોગ્ય સેવા આપવામાં એકને ખોળ બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે. બજેટમાં રાજ્યની ૩.૪૭ કરોડ ગ્રામ્ય વસ્તી માટે માથાદીઠ રૂા.૬૧૯ની જોગવાઈ કરાઈ છે જ્યારે શહેરની ર.પ૭ કરોડ વસ્તી માટે શહેરી આરોગ્ય સેવાઓ માટે માથાદીઠ રૂા.૧૩૮૩ જોગવાઈ કરી છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો ખર્ચ બમણો કરવાની જોગવાઈ કરીને સરકારે શહેરી વિસ્તારને અગ્રતા આપીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગરીબો સાથે ભેદભાવ કરતી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગની તબીબી સેવાઓ માટે મેડિકલ સુવિધાઓ આપવા માટે શહેરી વિસ્તારો માટે પ્રાથમિકતા વધારે જોવા મળી છે. વર્ષ ર૦૧૮-૧૯માં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી અને જાહેર આરોગ્યની સેવાઓ પાછળ કુલ રૂા.૯૬૧૧.૧પ કરોડનું અંદાજિત ખર્ચ કરવામાં આવશે ત્યારે બજેટમાં રાજ્યમાં તમામ આરોગ્ય સેવાઓ જેવી કે એલોપૈથી અન્ય ઔષધ પદ્ધતિઓ તથા આરોગ્ય સેવાઓ માટે સરકારે શહેરી આરોગ્ય સેવાઓ પાછળ ગ્રામ્ય આરોગ્ય સેવાઓ કરતા માથાદીઠ ખર્ચ બે ગણો કર્યો છે. એટલે રાજ્ય સરકાર શહેરી આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સેવાઓ કરતા વધુ અગ્રતા આપે છે. ગ્રામ્ય વિસ્તારોમાં બાળમૃત્યુ દર ૩૮ છે જ્યારે શહેરમાં બાળમૃત્યુ દર ૧૯ જેટલો છે. ઓછા માથાદીઠ ખર્ચના કારણે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલની ખર્ચાળ અને મોંઘી સારવાર લેવી પડે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ આપતા માળખાકીય સુવિધાઓ તો ઉપલબ્ધ છે પણ ત્યાં મોટી સંખ્યામાં તબીબોની જગ્યાઓ ખાલી છે જેના કારણે આરોગ્યની સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શહેરી વિસ્તારોમાં વધુ સીટો જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને જનસમર્થન મળ્યું હતું. એટલે કે શહેરી વિસ્તારોના વોટથી જીતેલી ભાજપને રાજ્યમાં ખોબેખોબા ભરીને વોટ આપનારી શહેરી વિસ્તારના લોકોને આરોગ્ય સેવા આપવામાં રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારની સરખામણીમાં બમણો ખર્ચ કરશે. એટલે કે ભાજપને જ્યાંથી વધુ વોટ મળ્યા. ત્યાં જ આરોગ્યની સેવા માટે વધુ ખર્ચ કરશે એટલે ભૂવો ધૂણે એટલે નારિયળે ઘર ભણી જ ફેંકે તે કહેવત સાચી ઠરી છે.