(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા ભંગ બદલ ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ પગલાંની માગ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે કર્ણાટકમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધા બાદ પણ અમિત શાહે ધર્મના નામે મત માગ્યા તે અંગે કોંગ્રેસે ફરિયાદ કરી છે. કર્ણાટકના મુખ્ય ચૂટણી અધિકારી અને ભારતના ચૂંટણી પંચ બંને સમક્ષ કોંગ્રેસે લેખિતમાં ફરિયાદ કરી છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તાજેતરમાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા વિરૂદ્ધ આરોપ લગાવ્યો હતો જે લોકોનું પ્રતિનિધિત્વ કરનાર કાયદો ૧૯૫૦-૫૧નો ભંગ છે. તેમનું નિવેદન ભારતીય દંડ સંહિતાની કલમોનું પણ ભંગ કરે છે. કર્ણાટકના દેવનાગરીમાં મીડિયાને સંબોધતા ૨૭મી માર્ચે અમિત શાહે કહ્યું હતું કે, મુખ્યમંત્રી એજ જુએ છે કે, કેવી રીતે કર્ણાટક સરકાર હિંદુઓનું અન્ય ધર્મમાં વિભાજન કરી શકે. ખરેખર સિદ્ધરમૈયા અહિંદા સમર્થક નથી પરંતુ અહિંદુ છે. કોંગ્રેસની ફરિયાદમાં જણાવાયું છે કે, તમે જાણવા માગશો કે આ ફક્ત લોકોનું પ્રતિનિધિત્વ કરતા કાયદા ૧૯૫૦-૫૧નો જ ભંગ નથી પરંતુ કોમવાદી રીતે સમાજમાં ભાગલા પાડવાનું કૃત્ય છે જે ભારતીય દંડ સંહિતાના કલમ ૧૫૩-એનો પણ ભંગ છે.તેથી અમારી વિંનંતી છે કે, યોગ્ય રીતે પગલાં લો અને આરોપી સામે કેસ થવો જોઇએ.