(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહને હાલમાં આચારસંહિતાનુ વિઘ્ન નડી ગયુ છે. હવે પદવીદાન સમારોહ માર્ચ મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે.
યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ યોજવામાં એમ પણ પહેલેથી જ વિલંબ થયેલો છે.જેના કારણે લગભગ ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ ડિગ્રી વિતરણની રાહ જોઈ રહ્યા છે.સત્તાધીશો દ્વારા જાન્યુઆરીની જગ્યાએ ફેબુ્રઆરી માસમાં પદવીદાન સમારોહ યોજવા માટે આયોજન થઈ રહ્યું હતું પણ કોર્પોરેશનની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ હવે સત્તાધીશો પદવીદાન સમારોહનુ આયોજન કરતા ખચકાઈ રહ્યા છે.કોર્પોરેશનની ચૂંટણી બાદ તરત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાવાની છે.
આ ઉપરાંત યુનિવર્સિટીના સેંકડો કર્મચારીઓ અને અધ્યાપકોને ચૂંટણીની ફરજ પણ સોંપવામાં આવી છે.આ સંજોગોમાં હવે માર્ચ મહિનામાં જ યુનિવર્સિટીને પદવીદાન સમારોહ યોજવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.