અમદાવાદ,તા.ર૬
રાજયમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ રાજયસભાની ચૂંટણી વેળા ભાજપનો તોડોના વાયરસે કોંગ્રેસના ૮ ધારાસભ્યોને ભરખી જતા તેમણે રાજીનામું આપી દીધું હતું. જેનો સીધો લાભ થતા ભાજપના ત્રણેય ઉમેદવાર રાજયસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. ત્યારે હવે જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવનારા રાજીનામું ધરનારા ૮ કોંગી ધારાસભ્યો આવતીકાલે કેસરીયો ધારણ કરશે. એટલે કોરોના મહામારી વચ્ચે ભાજપ કોંગી ધારાસભ્યોનો પ્રવેશોત્સવ કરશે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસે ભાજપ પર તોડજોડ અને તોડોના વાયરસનો આરોપ લગાવ્યો હતો. તે સમયે ભાજપે તમામ આરોપો ખોટા અને કોંગી ધારાસભ્યો પોતાના પક્ષથી નારાજ હોવાનું જણાવ્યું હતું. પણ રાજયસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદના એક અઠવાડિયા બાદ જ જાણકારી મળી છે કે કોંગ્રેસના જે ૮ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા તે તમામ હવે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે અને જીતુ વાઘાણી તમામને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કરશે.
માર્ચ મહિનામાં કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જ્યારે જૂન મહિનામાં વધુ ૩ કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, , ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. બાદમાં હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં જેમાં કપરાડાના જીતુભાઇ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જો કે, સપ્ટેમ્બર મહિનામાં ધારાસભ્યોનાં રાજીનામા બાદ ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવી શકે છે. તેને કારણે હવે ભાજપમાં કોરોના વચ્ચે કોંગી ધારાસભ્યોનો પ્રવેશોત્સવ રાખવામાં આવ્યો છે. અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કોંગી ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ તો આપી દેશે. પણ તેને કારણે ચૂંટણીમાં નુકસાન થશે કે કેમ તે માટે ભાજપ સેન્સની કામગીરી પણ હાથ ધરશે.