(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. ૧૨ મે ના રોજ મતદાન થશે તથા તેના ત્રણ દિવસ બાદ એટલે ૧૫ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત પહેલા ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયે ટ્‌વીટ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી નાખતાં નવો વિવાદ પેદા થયો. અમિત માલવીયે ટ્‌વીટ કરીને ૧૨ મે ના રોજ ચૂંટણી અને ૧૮ મે ના દિવસ મતગણતરીની જાહેરાત કરી નાખી હતી. જોકે ત્યાર પછી તેમણે આ ટ્‌વીટ કાઢી નાખ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે તારીખ લીક કરનારની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પહેલા યોજાઈ રહેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મહત્વની બની રહેવાની છે. ૨૨૪ સભ્યો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ ૨૮ મે ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
૧. આજે જ્યારે કોંગ્રેસે મોટાભાગના રાજ્યો પરની પકડ ગુમાવી હોવાથી કર્ણાટક જાળવી રાખવું તેને માટે એક પ્રાણપ્રશ્ર થઈ પડશે. ભાજપની ૨૧ રાજ્યોમાં તો કોંગ્રેસની ફક્ત ચાર રાજ્યોમાં સરકાર છે.
૨. કર્ણાટક ચૂંટણી રાહુલ ગાંધી માટે એક અગ્નિપરિક્ષા બની રહેવાની છે.રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ધૂંઆધાર પ્રચાર અભિયાન આદર્યું છે.
૩. મુખ્ય ચૂંટણી કમિશનરે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ જાહેર કરી. ૧૫ મે ના રોજ મતગણતરી થશે.
૪. પૂર્વ મુખ્યમંત્રી યેદુરપ્પાની આગેવાનીમાં ભાજપે કર્ણાટકને પાછું મેળવવાનું અભિયાન શરૂ કર્યું છે.
૫. ભાજપે રાજ્યમાં ૮૫ દિવસનો પ્રચાર કર્યો બેંગ્લોરમાં સંગઠિત રેલીનું આયોજન કર્યું. વડાપ્રધાન મોદીએ પણ રેલીને સંબોધિત કરી હતી.
૬. ગત અઠવાડિયે રાહુલ ગાંધીએ પણ કર્ણાટકનો પ્રવાસ કર્યો. તેઓ મંદિર, ચર્ચ અને મસ્જિદમાં ગયાં હતા.
૭. ૨૦૧૪ માં ભાજપને કર્ણાટકમાં ૧૭ બેઠકો મળી હતી.બેંગ્લોર અને મેસૂર જેવા શહેરી વિસ્તારોમાં તેને સારૂ જનસમર્થન મળ્યું હતું.
૮. ભાજપના સૌથી મોટી વોટબેન્કમાં એક ગાબડુ પાડતાં સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં લિંયાગતને અલગ ધર્મનો દરજ્જો આપ્યો હતો.
૯. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિરપ્પા લિંગાયત સમૂદાયમાંથી આવનાર એક જાણીતો ચહેરો છે.
૧૦. ચૂંટણીની તારીખ અને આદર્શ આચારસંહિતા લાગુ પડવાને કારણે કાવેરી વિવાદનો નિવેડો લાવવામાં અડચણ પેદા થઈ શકે છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી : શિડ્યુઅલ, તમારે જે જાણવાની જરૂર છે
ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. ૧૨ મે ના રોજ મતદાન થશે તથા તેના ત્રણ દિવસ બાદ એટલે ૧૫ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ૨૨૪ સભ્યો ધરાવતી વિધાનસભાનો કાર્યકાળ ૨૮ મે ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ચૂંટણીની તારીખ જાહેર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું કે મહિલાઓ અને વિકલાંગ મતદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.કુલ,૫૬,૦૦૦ મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે.
૧. ગેઝેટ જાહેરનામું બહાર પાડવાની તારીખ : એપ્રિલ ૧૭,૨૦૧૮
૨. નામાંકનની છેલ્લી તારીખ : એપ્રિલ ૨૪,૨૦૧૮
૩.નામાંકન ચકાસણીની છેલ્લી તારીખ : એપ્રિલ ૨૫,૨૦૧૮
૪. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ : એપ્રિલ ૨૭,૨૦૧૮
૫. ચૂંટણીની તારીખ : મે ૧૨,૨૦૧૮
૬. મતગણતરી : મે ૧૫,૨૦૧૮
ચૂંટણી પંચે અમિત માલવીયના ટ્‌વીટને ગંભીરતાથી
લીધું, ‘આકરી કાર્યવાહી’ની ખાતરી આપી
ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાત પહેલા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો પરના ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયના ટ્‌વીટ બાદ ચૂંટણી પંચે આ ટ્‌વીટને ગંભીરતાથી લઈને આકરી કાર્યવાહીની ખાતરી આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ જ્યારે આ સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જો આ માહિતી લીક થયેલી માલૂમ પડશે તો તેની તપાસ કરીને પગલાં ભરવામાં આવશે. ટ્‌વીટ પર વિવાદ વધતાં અમિત માલવીયે તેને રદ કરી નાખ્યું હતું. કોંગ્રેસ પણ આ મુદ્દે ભાજપને સાણસામાં લીધો છે. ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી ૧૨ મે ના રોજ તથા મતગણતરી ૧૫ મે ના રોજ કરવાની જાહેરાત કરી દીધી છે.
કર્ણાટક ચૂંટણી તારીખ જાહેરાતના ખોટા ટ્‌વીટ બદલ અમિત માલવીયે ન્યૂઝ ચેનલોને દોષી ઠેરવી
ચૂંટણી પંચની જાહેરાત પહેલા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેનાર ભાજપ આઈટી સેલના વડા અમિત માલવીયે આ ઘટનાક્રમ બદલ ન્યૂઝ ચેનલોને દોષી ઠેરવી છે. ચૂંટણી પંચને પાઠવેલા પત્રમાં તેમણે કહ્યું કે મને એક ચેનલના બ્રેકિંગ ન્યૂઝ પરથી આ વાતની ખબર પડી હતી. તેમણે કોંગ્રેસ તરફ અંગૂલીનિર્દેશ કર્યો.માલવીયે ચૂંટણી પંચને લખેલા પત્રમાં એ વાતનો ખુલાસો કર્યો કે તેમણે કેવી રીતે આ ટ્‌વીટ કર્યું હતું. ભાજપે આ પત્રને જાહેર કર્યો છે. માલવીયે કહ્યું કે હું ખુલાસો કરવા માંગું છું કે મારી માહિતીનો આધાર એક ચેનલનો ન્યૂઝબ્રેક હતો જેને સવારના ૧૧.૦૦ વાગ્યે ટાઈમ્સ નાઉ દ્વારા દેખાડવામાં આવ્યો હતો. પોતાની વાત મજબૂત કરવા માટે તેમણે કહ્યું કે ટાઈમ્સ નાઉ ખોટી તારીખની જાહેરાત કરી હતી.
ચૂંટણી પંચ કર્ણાટક ચૂંટણીની તારીખોની
લીક થયેલી જાહેરાતની તપાસ કરશે
૧. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કેટલીક ચોક્કસ બાબતો લીક થઈ છે જેની તપાસ કરીને કડક પગલાં ભરવામાં આવશે.
૨. રાવતે કહ્યું કે આ એક ગંભીર બાબત છે અને તે તપાસ માંગી લેતો વિષય છે અને ત્યાર બાદ કડક પગલાં ભરવામાં આવશે.
૩. અમિત માલવીયના ટ્‌વીટે રાજકીય વિવાદ સર્જ્યો, તમામ રાજકીય પક્ષોએ ઝાટકણી કાઢી.
૪. કોંગ્રેસે ભાજપને સુપર ઈલેક્શન કમિશન ગણાવ્યો.
૫. કોંગ્રેસ આઈટી સેલના વડા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ચૂંટણી પંચની વિશ્વસનીયાની સામે સવાલ ખડો થયો છે.
૬. તેમણે કહ્યું કે ભાજપે ચૂંટણી પંચ પહેલા કર્ણાટકની ચૂંટણીની તારીખ જાહેર કરી હોવાથી તે સુપર ઈલેક્શન કમિશન બન્યો.
૭. સુરજેવાલાએ ટ્‌વીટર પર કહ્યું કે શું ચૂંટણી પંચ અમિત શાહ અને ભાજપ આઈટી સેલના વડાની સામે એફઆઈઆર દાખલ કરાવશે.
૮. ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. ૧૨ મે ના રોજ મતદાન થશે તથા તેના ત્રણ દિવસ બાદ એટલે ૧૫ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
૯. ૧૭ એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ છે.
૧૦. તમામ વોટીંગ મશીનોને વીવીપીએટી મશીન સાથે જોડવામાં આવશે તેવું તેમણે કહ્યું.