(એજન્સી) તા.૧૧
ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પના એક ટિ્‌વટને કારણે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. ખરેખર, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયાના એક અઠવાડિયા પછી એરિકે ટિ્‌વટ કર્યું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. મંગળવારે એરિકના ટ્‌વીટર હેન્ડલ પરથી એક ટિ્‌વટમાં મિનેસોટા રાજ્યના લોકોને બહાર નીકળવા અને મત આપવાની વિનંતી કરવામાં આવી છે. આ પોસ્ટ થોડી મિનિટો પછી દૂર કરવામાં આવી હતી, પરંતુ એટલા જ સમયમાં સોશિયલ મીડિયા પર યુઝર્સએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. થોડીવારમાં જ ટ્‌વીટર પર એરિકના ટિ્‌વટનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. ચૂંટણીના દિવસે પણ એરિક ટ્રમ્પે ઘણાં ટિ્‌વટ કરી લોકોને મત આપવા અપીલ કરી હતી. આનાથી અટકળો થઈ હતી કે મિનેસોટાવાળું ટિ્‌વટ કદાચ સુનિશ્ચિત ભૂલ હતી છતાં ટ્‌વીટર પર એરિક ટ્રમ્પ તરત જ ટ્રોલર્સના શિકાર બન્યા. બોલિવૂડની ફિલ્મ બૂમમાં કામ કરી ચૂકેલી સુપરમોડલ પદ્મા લક્ષ્મીએ પણ તેના ટિ્‌વટની મજાક ઉડાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના અન્ય એક પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ચૂંટણી દરમિયાન કાશ્મીરનો વિવાદસ્પદ નકશો ટિ્‌વટ કર્યો હતો. તેણે દુનિયાના નકશામાં ટ્રમ્પનું સમર્થન કરનારા દેશોને લાલ અને બાઈડન સમર્થક દેશોને બ્લુ રંગથી બતાવ્યા હતા. આ તસવીરમાં ભારતના નકશામાં કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ તરીકે દર્શાવાયું હતું. આ સાથે જ ભારતને બાઈડન સમર્થક અને પાકિસ્તાન, રશિયા, ઈરાનને ટ્રમ્પના સમર્થક તરીકે બતાવાયા હતા.