(એજન્સી) કોલકાતા, તા. ૨૦
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ અને પંચાયતોની ચૂંટણીઓ પહેલા બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસે બહુમતી સમુદાયને લોભાવવાના પ્રયાસ ચાલુ કરી દીધા છે જેમાં ભાજપને પછાડવા માટે બંગાળના વિવિધ જિલ્લાઓમાં પુજારીઓની કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. આ પહેલા ફક્ત મુસ્લિમો તરફી હોવાનો વિવાદાસ્પદ આરાપ લાગ્યા બાદ તૃણમુલ કોંગ્રેસના નેતાઓ હવે હિંદુ ધર્મગુરૂઓ તરફ વળ્યા છે. વર્ષ ૨૦૦૮માં બનેલા આરએસએસ સમર્થક કટ્ટરપંથી જૂથ હિંદુ સહમતીના નેતાઓ હવે તૃણમુલ કોંગ્રેસના ગુણગાન ગાઇ રહ્યા છે. હિંદુ સહમતીના અધ્યક્ષ દેબાંતુ ભટ્ટાચાર્યે ૧૪મી ફેબ્રુઆરીએ કહ્યું હતું કે, બંગાળમાં ભાજપ હિંદુઓ પ્રત્યે ધ્યાન આપી રહ્યું નથી તેઓ હિંદુઓને રાજકીય ઉકેલ સાથે કાંઇ આપી રહ્યા નથી. હવે આ સંગઠન ભાજપ તથા આરએસએસ વિરૂદ્ધ જઇ રહ્યું હોવાનું મનાય છે.
મુખ્યમંત્રી મમતા બેનરજી માટે ઉચ્ચ આકાંક્ષાઓ છે. આગામી વર્ષે લોકસભા ચુંટણીઓ બાદ તેઓ મોટી ભૂમિકા ભજવવા માગે છે. બંગાળમાંથી હાલ તૃણમુલના ૪૨ લોકસભા બેઠકો છે અને તે આગામી ચૂંટણીઓમાં પોતાનું કદ વધારવા માગે છે. પશ્ચિમ મિદનાપુરમાં તાજેતરમાં એક અન્ય હિંદુ સંગઠન સનાતન બ્રાહ્મીન ટ્રસ્ટ દ્વારા આયોજિત સાધુ મેળામાં તૃણમુલના નેતા અજીત મૈતીએ કહ્યું હતું કે, જો કોઇ તમને હિંદુત્વના પાઠ ભણાવવા માગે તો તેમની તરફ ધ્યાન ન આપો. દિલ્હીના કોઇપણ શાસક પાસે શરણાગતિ સ્વીકારશો નહીં અથવા કોઇ કેસરિયા ઝંડા સાથે તમને લોભાવવા આવે તો લોભશો નહીં. ટીએમસી અનુબ્રતા મોંડલે ગત મહિને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તમે જાણો છો હિંદુત્વ શું કહે છે. આપણે કોઇની પાસેથી હિંદુત્વ શીખવાની જરૂર નથી. હિંદુઓના એક જૂથ એસબીટી પણ તૃણમુલના સમર્થનમાં છે.