(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ચૂંટણી અગાઉ ખેડૂતોને વીજળી અને યુરિયા ખાતરની લોલીપોપ આપનાર ભાજપે લોલીપોપ પાછી ખેંચી લેતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને પછડાટ મળતા પૂર્વગ્રહ રાખી ખેડૂતો સામે બદલો લેવા પૂરતી વીજળી અને યુરિયા ખાતર ન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે બટાકામાં નવ મહિના બાદ પણ સબસિડીનો એક પણ રૂપિયો ન ચૂકવનારી સરકાર ખેડૂતોનું શોષણ બંધ કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રીએ જાહેરાત કરીને ખેતીવાડીમાં ૧૦ કલાક વીજળી આપી હતી પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ભાજપ સરકારે ખેડૂતો સાથે વધુ એક છેતરપિંડી કરી ૧૦ કલાક વીજળી આપવાનું બંધ કરી દીધું છે. અત્યારે રવિ પાકમાં સિંચાઈ માટે વીજળીની ખૂબ જ જરૂરિયાત હોવા છતાં ૮ કલાક કરતાં પણ ઓછી અને અનિયમિત રીતે વીજળી આપવામાં આવે છે એ જ રીતે બનાસકાંઠામાં પણ અત્યારે શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત સામે નર્મદા કેનાલમાંથી રિપેરિંગના બહાને પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત વડાપ્રધાન નીમ કોેટેડની વાતો કરતાં હતાં. પરંતુ સમગ્ર રાજ્યમાં યુરિયા ખાતરની ભારે તંગી સર્જાઈ છે. જેમાં ઈફકો, કૃભકો, જીએસએફસી કે નર્મદા વેલી વગેરે સ્થળોએ અગાઉથી નોંધણી કરાવવા છતાં ઘણા લાંબા સમય સુધી યુરિયા ખાતર નહીં મળતાં શિયાળું પાકને નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા બટાકા માટે રૂપિયા પ૦ પ્રમાણે સબસિડી જાહેર કરવામાં આવી હતી તેને ૯ મહિના થવા છતાં સબસિડીનો એકપણ રૂપિયો હજુ સુધી ખેડૂતોને આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત બટાકામાં ટ્રાન્સપોર્ટ માટે રૂા.૭પ૦ પ્રમાણે સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ સબસિડી ડીસામાં જ માત્ર ભાજપના રાજકારણીઓ હોય તેવા ખેડૂતોને ચૂકવવામાં આવી છે. ડીસામાં રૂપિયા ૭૦ લાખની સબસિડી અપાયા સિવાય રાજ્યમાં અન્ય સ્થળોએ એકપણ ખેડૂતોને આ પૈસા અપાયા નથી. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં દહેગામના ખેડૂતો સામે કિન્નાખોરી રાખી ટેકાના ભાવે કપાસની ખરીદી પણ કરવામાં આવી નથી ત્યારે નવી સરકારે ખેડૂતો માટે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના વીજળી અને ખાતર પૂરા પાડી શિયાળું પાકને નિષ્ફળ જતો બચાવવા ડો.હિમાંશુ પટેલે અપીલ કરી છે.