(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૬
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતદાર યાદીમાં છબરડાના વિવાદને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી. જે મામલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ એમાં વચ્ચે હસ્તક્ષેપ કરવા હાઈકોર્ટે ઇન્કાર કર્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી આગામી ૮ માર્ચે થવાની છે. તેવામાં સેનેટની ચૂંટણીના એક ઉમેદવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી કે જે મતદાર યાદી કોલેજો દ્વારા મોકલવામાં આવી છે, તેમા અનેક વિદ્યાર્થીઓના નામ અને સરનામાનો મેળ ખાતો નથી અને સરનામા ખોટા આપવામાં આવ્યા છે. જેથી કરીને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર કરવામાં તકલીફ પડી રહી છે અને આ મતદાર યાદીઓ શંકાસ્પદ છે. તેથી તેને રદ કરવામાં આવે. આજે આ કેસની સુનાવણી હાથ ધરાતા ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણી યોજવા હાઇકોર્ટની લીલી ઝંડી આપી છે. સેનેટ ઇલેક્શનમાં મતદારયાદીમાં છબરડા હોવાની ફરિયાદ સાથે થયેલી અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ એમાં વચ્ચે હસ્તક્ષેપ કરવા કોર્ટે ઇન્કાર કર્યો છે. મતદારયાદીમાં છબરડાના આક્ષેપો એ વિવાદિત હકીકતનો પ્રશ્ન હાઇકોર્ટે ચૂંટણી પૂર્ણ થયા બાદ વૈકલ્પિક ફોરમ સમક્ષ અરજદાર રજૂઆત કરી શકશે તેવા નિર્દેશ આપ્યા છે. પરિણામે હવે ૮ માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીઓ રાબેતા મુજબ યોજાશે.