છોટાઉદેપુર, તા.૧૩
છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી ફરજમાં રોકાયેલા મોટાભાગના કર્મચારીઓ તંત્રના કથિત અણધડ વહીવટના પાપે મતદાનથી વંચિત રહેવા પામેલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા ૧૩૭-છોટાઉદેપુર, ૧૩૮-પાવીજેતપુર અને ૧૩૯-સંખેડાની સામાન્ય ચૂંટણીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ પૈકી મોટાભાગના કર્મચારીઓને પોસ્ટલ બેલેટ વહીવટી તંત્ર દ્વારા પહોંચાડવામાં નહીં આવતા. આ વખતે સરકારી કર્મચારીઓ મતદાનથી વંચિત રહેનાર છે. જે અંગેની જાણ વિધાનસભાના ઉમેદવારોને થતા કલેક્ટર છોટાઉદેપુરને લેખિત જાણ કરી માહિતી માંગવામાં આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામેલ હોવાનું જાણવા મળેલ છે. આ અંગે ચૂંટણી ફરજ ઉપર રોકાયેલા કર્મચારીઓમાં એવી ચર્ચા ચાલતી હતી કે આ વખતે સરકારી કર્મચારીઓ સરકાર વિરોધી મતદાન કરનાર હોવાની ગંધ સરકારને આવી જતાં સરકારના ઈશારે વહીવટીતંત્ર પોસ્ટલ બેલેટ ઈસ્યુ કરવામાં અખાડા કરી રહ્યું છે. ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાની બે બેઠકો છોટાઉદેપુર અને સંખેડા સરકારી કર્મચારીઓના મતોના સહારે જ કોંગ્રેસ પક્ષ જીતી શક્યો હતો જેથી આ વખતે પોસ્ટલ બેલેટ મોટાભાગના કર્મચારીઓને નહીં મળતા કર્મચારીઓમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી ફરજમાં રોકાયેલ મોટાભાગના કર્મીઓ તંત્રના અણઘડ વહીવટથી મતદાનથી વંચિત

Recent Comments