(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
ગુજરાતમાં ચાલુ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ પ્રજા મોંઘવારી, ઈંધણના ભાવ વધારા,
બેરોજગારી સહિતની સામાજિક સમસ્યાઓમાં પીસાઈ રહી છે. ત્યારે ચૂંટણી વર્ષમાં ફરી જાણે આ મુદ્દા પરથી ધ્યાન
હટાવી હિન્દુત્વના મુદ્દાને આગળ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેમ ગત રવિવારે હિંમતનગરમાં
વિશ્વ હિન્દુ પરિષદની પાંખ બજરંગદળ દ્વારા ત્રિશૂળદીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૫૧૦૦
યુવાનોને ત્રિશૂળ આપવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, આ સમગ્ર મામલે તંત્ર દ્વારા મૌન સેવી
લેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં બજરંગદળ દ્વારા માત્ર હિંદુઓ માટે રાજ્યની સ્તરની ક્રિકેટ
સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણી વર્ષમાં ફરી બજરંગદળ શા માટે
આટલું સક્રિય થઈ ગયું છે? યુવાનોના દિમાગમાં લઘુમતીઓ વિરૂદ્ધ ઝેર ભરવામાં આવી રહ્યું હોવાનું પણ ચર્ચાઈ
રહ્યુંં છે. આ ત્રિશૂળદીક્ષા કાર્યક્રમની ધ્યાનકાર્ષક બાબત એ હતી કે, તેમાં ડોકટરથી માંડી એન્જિનિયર થયેલા તેમજ
ઉચ્ચ શિક્ષિત યુવાઓ દ્વારા પણ ત્રિશૂળની દીક્ષા લેવામાં આવી હતી. એક અહેવાલ મુજબ હિંમતનગરમાં
કાર્યક્રમના સ્થળે નોંધણી કરતાં વધુ ૨૩૦ યુવાઓએ ત્રિશૂળદીક્ષા લીધી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે, આ કાર્યક્રમ
અગાઉ ૨૦ લોકોની ટીમોએ રાજ્યના ૮૦ જેટલા ગામોની મુલાકાત લીધી હતી. ૩૭૦૦ નામ નોંધવામાં આવ્યા
હતા જ્યારે ૮૦૦ નામો ઓનલાઈન નોંધવામાં આવ્યા હતા. આ માટે સોશિયલ મીડિયાનો પણ વ્યાપક પ્રમાણમાં
ઉપયોગ કરવામાં આવ્યો હતો. બજરંગદળે દાવો કર્યો હતો કે, રાજ્યમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો
ત્રિશૂળદીક્ષા કાર્યક્રમ હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે અમદાવાદ ખાતે વિહિપ દ્વારા સંતસંમેનલનું
પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથિત ધર્માંતરણને અટકાવવા તેમજ હિન્દુ મંદિરોના વહીવટમાંથી
સરકારના હસ્તક્ષેપને દૂર કરી હિન્દુઓને સંચાલન સોંપવા સહિતના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ તુરંત જ ગુજરાતમાં વિહિપ, સંઘ અને બજરંગદળ દ્વારા
વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. નિષ્ણાતો આ કાર્યક્રમોને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સાથે જોડીને
જોઈ રહ્યાં છે. જો કે બજરંગદળ અને વિહિપના પદાધિકારીઓએ આ વાતને નકારી હતી.