અમરેલી,તા.૧૬
અમરેલી શહેરના જેશીંગપરા નજીક રંગપુર રોડ ઉપર આવેલ ખારામાં (નદી) ન્હાવા પડેલ મજુર પરિવારના ત્રણ બાળકોમાંથી બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજેલ હતા. જયારે એક બાળકને બચાવી લેવામાં આવેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના જેશીંગપરા વિસ્તારમાં રહેતા મજુર પરિવારના અર્જુન રાજુભાઈ પરમાર (ઉ.વ.૯) સનિયા શિવાભાઈ રાઠોડ (ઉ.વ.૮) સહિત ત્રણ બાળકો જેશીંગપરાના રંગપુર રોડ ઉપર આવેલ ખારામાં બાંધેલ ચેકડેમમાં ન્હાવા ગયેલ હતા. ન્હાતા ન્હાતા ઉંડા ખાડામાં ગરક થઈ ગયેલ હતા. ત્રણેય બાળકો ડૂબવા લાગતા આજુબાજુના રહીશો દોડી આવેલ હતા. સ્થાનિક લોકોએ એક બાળકને બચાવી લીધેલ હતો. જયારે બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજેલ હતા. અમરેલી નગરપાલિકાના ફાયર અધિકારી ડી.કે. રીબડિયા ફાયર અને તરવૈયા સાથે ઘટના સ્થળે દોડી ગયેલ હતા. પોલીસને પણ જાણ થતા દોડી ગયેલ હતી બંને બાળકોની લાશને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતી. એક અઠવાડિયામાં જળ હોનારતમાં સાત વ્યકિતએ જીવ ગુમાવેલ હતા.