(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૮
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલી તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને લઇને સવાલ એ ઉભા થયા છે કે, જો ચેકપોસ્ટ બંધ થશે તો શું ગુજરાતના દારૂબંધીના નિયમનું કડકાઈથી પાલન થશે ખરૂં ? રાજસ્થાનની બોર્ડર પર આવેલા અરવલ્લીમાં ચેકપોસ્ટ શરૂ હતા ત્યારે પણ બુટલેગરો લાખો રૂપિયાનો દારૂ રાજસ્થાનની ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયાસો કરતા હતા અને હવે તો ચેકપોસ્ટ બંધ કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારૂબંધીના નિયમનો કડકાઈથી અમલ થાય તે માટે જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડીયાએ દારૂબંધીના નિયમનો કડક અમલ કરાવવા અને ચેકપોસ્ટ શરૂ કરવા ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે.
આ અરજીમાં પ્રકાશ કાપડિયાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ચેકપોસ્ટ બંધ કરવાના નિર્ણયને પગલે આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે અને અસામાજિક તત્ત્વો સરળતાથી પ્રવેશી શકે છે. ચેકપોસ્ટ હટાવવાના કારણે દારૂ ખુલ્લેઆમ પ્રવેશી શકે છે, દારૂ પીને વાહન ચલાવવાના અને અકસ્માતના કિસ્સામાં પણ વધારો થઇ શકે છે. પ્રકાશ કાપડીયાની આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આગાઉ ભાજપના જ નેતા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકાર સમક્ષ ચેકપોસ્ટ ન હટાવવાની માંગણી કરી હતી.
ચેકપોસ્ટ બંધ કરાતા આતંકવાદીની ઘૂષણખોરી વધી શકે છે હાઈકોર્ટમાં થઈ અરજી

Recent Comments