(એજન્સી) હૈદરાબાદ, તા.ર૪
રેલવે ટ્રેકની બાજુમાં સેલ્ફી લેવાની ઘેલછાને લીધે ર૯ વર્ષની ઉંમરની આસપાસના એક યુવાનને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના ભરતનગર રેલવે સ્ટેશનની નજીક હૈદરાબાદમાં ર૧ જાન્યુઆરીના દિવસે થઈ હતી. આ ઘટનાની વિચલિત કરી દેતી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શિવા ઉર્ફે સુભાષ તરીકે ભોગ બનેલા છોકરાની ઓળખાણ થઈ છે જેને વીડિયો ક્લિપમાં સ્માર્ટ ફોન હાથમાં પકડીને હસતો જોઈ શકાય છે અને પાછળથી ટ્રેક ઉપર ટ્રેન નજીક આવતી દેખાય છે. તેના મિત્રો તરફથી સંભવિત ખતરાની ચેતવણી છતાં પણ તે સેલ્ફી વીડિયો શૂટ કરવા માટે દૃઢ નિશ્ચયી હતો અને તે ટ્રેન સાથે ટકરાઈ જતાં તેના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. શિવા અત્યારે તબીબી સારવાર હેઠળ છે અને ખાનગી હોસ્પિટલના સૂત્રો મુજબ તેની હાલત સ્થિર છે જ્યારે રેલવે સુરક્ષાદળ (આરપીએફ) દ્વારા તેની વિરૂદ્ધ ઈન્ડિયન રેલવે એક્ટની ધારા ૧૪૭ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ પહેલાં સોશિયલ મીડિયા ઉપર એક કાશ્મીરી યુવકનો વીડિયો વાયરલ થયો હતો કે જે રેલવે ટ્રેક ઉપર સૂતો હોય છે પરંતુ ત્યારે જ તેના પરથી ટ્રેન પસાર થઈ જાય છે.
ચેતવણીઓને ગણકાર્યા વગર ઝડપી ટ્રેન સાથે ‘‘ઘાતકી દુઃસાહસપૂર્ણ’’ સેલ્ફી લેવાની ઘેલછામાં હૈદરાબાદનો યુવક ઘાયલ

Recent Comments