દુબઈ, તા.૨૧
પોઈન્ટસ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને રહેલી ચેન્નઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હજુ ચાર મેચ રમવાની છે પરંતુ તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. કાશી વિશ્વનાથે કહ્યુ કે, બ્રાવો આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજા થયા બાદ બ્રાવો સ્વદેશ પરત ફરી રહ્યો છે. તેમણે કહ્યું- બ્રાવો હવે આગળ રમશે નહીં. તે ઈજાને કારણે બહાર થયો છે. એક-બે દિવસમાં સ્વદેશ પરત ફરશે. ટૂર્નામેન્ટની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સની સ્થિતિ ખુબ ખરાબ છે. તેણે ૧૦માંથી માત્ર ત્રણ મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુકાબલામાં તે ઈજાને કારણે અંતિમ ઓવર ફેંકી શક્યો નહીં. દિલ્હીને અંતિમ ઓવરમાં ૧૫ રનની જરૂર હતી. અક્ષર પટેલે જાડેજાની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી મેચ જીતી લીધી હતી. બ્રાવો ડેથ ઓવરનો નિષ્ણાંત છે અને દિલ્હી વિરુદ્ધ ચેન્નઈને તેની ખોટ પડી હતી.