પાલનપુર, તા.ર૭
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા આજરોેજ યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં પ્રવેશ માટે ચિઠ્ઠીઓ આગ્રહ રાખતા હોઇ ભાજપ- કોંગ્રેસના સદસ્યોએ રીતસરનો ઉઘડો લીધો હતો અને અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ અહીં ઘાસ કાપવા નથી આવતા તેવી ઉગ્ર રજૂઆતો કરતાં સભામાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ગત સાધારણ સભામાં થયેલા ઠરાવો, સદસ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોને બહાલી આપવામાં આવી હતી. સભા દરમિયાન આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક પ્રશ્નો, તાજેતરમાં થયેલી એસ.આઇ.ની ભરતી સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. અંતમાં પ્રમુખ સ્થાનેથી બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા સ્થાને વિશ્રામગૃહ બનાવવા, દરેક તાલુકાને ફાયર ફાયટર ફાળવવા, પાલનપુર પથિકાશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવી અને જિલ્લામાં કોન્ટ્રાક્ટ દ્વારા થતી ભરતીમાં જિલ્લાના જ ઉમેદવારોની પસંદગી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે, જિલ્લા વિકાસ અધિકારી તેમની ચેમ્બરમાં આવતાં સદસ્યોને પ્રવેશ આપતા પહેલાં ચિઠ્ઠી મંગાવતાં હોઇ આ પ્રણાલીનો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના સદસ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જાહેરમાં માઇક ઉપર અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ અહિંયા ઘાસ કાપવા આવતા નથી. તેવી ઉગ્ર રજૂઆતો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચેમ્બરમાં અગત્યની મીટિંગ ચાલતી હોય તે દરમિયાન સદસ્યોનો સમય ન બગડે તે માટે ચિઠ્ઠી લખવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. જો કે, હવે તેઓ સીધા મારી મુલાકાત કરી શકશે.