ચોટીલા, તા.૧૩
ચોટીલામાં દોઢ દાયકાથી સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થા સંચાલિત નિમિત્ત માત્ર સેવા અભિયાન હેઠળ લોકોના જન્મદિવસ કે મૃત્યુતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને ભોજન કે નાસ્તો કરાવવાનો સેવા યજ્ઞ છેલ્લા સવા વર્ષથી ચાલુ છે. જે અંતર્ગત અલગ-અલગ તહેવારની ઉજવણી પણ બાળકોને ભોજન નાસ્તો આપીને કરવામાં આવે છે જેમાં અંદાજે ૨૫૦ બાળકોને દર રવિવારે ફ્રૂટ, પૌવાબટેકા, ભેળ, પાંઉભાજી, દાબેલી, સેન્ડવીચ, ઢોકળા, ખમણ, ગુંદી ગાંઠિયા, ભજીયા, ચના મસાલા, દાળ પકવાન, ભૂંગળા બટેકા, પાણીપૂરી, પુલાવ, પૂરીશાક, શિખંડ, કેરીનો રસ, સુકીભાજી, ખીરપૂરી, દહીં વડા, મન્ચુરિયન, બિસ્કિટ, થેપલાં અને પંજાબી ભોજન સહિતના જમણવાર કરવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસના કારણે સામાન્ય પરિવારોની આર્થિક સ્થિતિ નાજુક છે તે ધ્યાનમાં રાખી ચોટીલામાં કુંભારા પાસે રહેતા સલાટ પરિવારોના બાળકોને નવા કપડાં લઈ દેવા સક્ષમ ના હોઈ તે વાતને ધ્યાનમાં લઈને તે વસાહતના અંદાજે ૫૦ બાળકોને દિવાળીની ભેટ સ્વરૂપે નવા કપડાં આપવાનો નાનકડો પ્રયાસ રામ-રહીમ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. જેના મુખ્ય દાતા થાનગઢ રહેતા સંજયભાઈ લુંભાણી તથા તેમના મિત્રો મયુરભાઈ દેશાણી, ગેલાભાઈ કુમખણીયા, હિરેનભાઈ દેશાણી હતા. આ કાર્યને સફળ બનાવવા નિમિત્ત માત્ર સેવા અભિયાનના નિરાલીબેન ચૌહાણ, પાયલબેન મોરી, જ્યોતિબેન સીતાપરા, ગીતાબેન વાઘેલા, મોહસીનખાન પઠાણ, વિજયભાઈ ચાવડા, ફેઝલભાઈવાળા, વિરમભાઈ ડાંગર, રવિભાઈ ચાવડા, અરમાનખાન પઠાણ સહિતના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.