(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા સતત ચોથા કે પાંચમા વર્ષે ફોર્મ ભરનાર હજ ઈચ્છુકોના અરમાનો પર પાણી ફેરવી અનામત કેટેગરી રદ કરવાનો નિયમ બનાવતા દેશભરના હજ ઈચ્છુકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ત્યારે સેન્ટ્રલ હજ કમિટી સામે સૌ પ્રથમ કેરલ હજ કમિટીએ બાંયો ચઢાવી છે અને સેન્ટ્રલ હજ કમિટી વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
કેરલ હજ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા કેસમાં સેન્ટ્રલ હજ કમિટીને પાંચ મુદ્દા અંગે માંગણી કરી છે. કેરલ હજ કમિટીએ માંગ કરતા જણાવ્યું છે કે, ખાનગી ટુર ઓપરેટરોના ક્વોટા ૩૦ ટકામાંથી વધારી ૩પ ટકા કરવામાં આવ્યો છે. જે પ ટકા ઘટાડી પુનઃ ૩૦ ટકા કરવામાં આવે, ચોથા અને પાંચમા વર્ષના હજ ઈચ્છુકો માટે જે અનામત હતી તે રદ કરવામાં આવી છે. આથી આ અનામત યથાવત્‌ રાખવામાં આવે, કોર્ટે ર૦રર સુધી સબસિડી નાબુદ કરવાનું કહ્યું હતું પરંતુ એકાએક સબસિડી નાબુદ કરવાની જે જાહેરાત કરવામાં આવી છે તે રદ કરી અચાનક ખત્મ ન કરવા જણાવ્યું છે.
આ તમામ હજ ઈચ્છુકોના સામાન્ય મુદ્દા સહિત કેરલનો કવોટા વસ્તીના ધોરણે વધારવા અને કાલીકટથી ફલાઈટ યથાવત્‌ રાખવા માગણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રોફેસર મોહંમદઅલી કાદરીએ જણાવ્યું છે કે, સેન્ટ્રલ હજ કમિટી અને કેન્દ્ર સરકારે અનામત અંગેનો નિર્ણય આ વર્ષ પૂરતો મોકૂફ રાખવો જોઈએ. આ અગાઉ ગુજરાત ટુડેના માધ્યમથી અમે રજૂઆત કરી ચૂક્યા છીએ.